<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સનાતન ધર્મ વિરૂદ્ધ ઝેર ઓકનારા ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીઓ વધી: સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની નવી અરજી દાખલ, તમિલનાડુ વિધાનસભામાં ફરી વિવાદાસ્પદ નિવેદન આપ્યાનો આક્ષેપ

સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં સ્ટાલિને ફરી કહ્યું- "લોકોને વહેંચતો સનાતન ધર્મ ચોક્કસ નાબૂદ થવો જોઈએ"; ૧૯ મેના રોજ દેશની સર્વોચ્ચ અદાલતમાં થશે હાઈ-પ્રોફાઈલ સુનાવણી

નવી દિલ્હી: તમિલનાડુના અગ્રણી નેતા ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મ વિરૂદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલો હવે ફરી એકવાર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના ઉંબરે પહોંચ્યો છે. ઉદયનિધિ સ્ટાલિન દ્વારા સનાતન ધર્મને સંપૂર્ણપણે નાબૂદ કરવાની વારંવાર કરવામાં આવતી માંગણીઓ અને વિવાદાસ્પદ નિવેદનોને સુપ્રીમ કોર્ટના ધ્યાન પર લાવતી એક નવી આકરી અરજી દાખલ કરવામાં આવી છે, જેને પગલે દક્ષિણ ભારતથી લઈને દિલ્હી સુધી રાજકીય અને કાયદાકીય ગરમાવો આવી ગયો છે.

યાદ કરી શકાય કે, તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના પુત્ર અને ડીએમકે (DMK) ના નેતા ઉદયનિધિએ સપ્ટેમ્બર ૨૦૨૩ માં એક કાર્યક્રમ દરમિયાન 'સનાતન ધર્મ' ની સરખામણી 'મેલેરિયા' અને 'ડેન્ગ્યુ' જેવા જીવલેણ રોગો સાથે કરી હતી. તેમણે જાતિ વ્યવસ્થા અને ઐતિહાસિક ભેદભાવનો હવાલો આપીને તેને જડમૂળથી નાબૂદ કરવાની હિમાયત કરી હતી. આ નિવેદનથી સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને તેમની સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં અનેક ફોજદારી ફરિયાદો (FIR) નોંધાઈ હતી.

કોર્ટના આદેશ છતાં પોલીસ એક્શનમાં નિષ્ફળ: અવમાનનાની અરજી

સુપ્રીમ કોર્ટે અગાઉ 'શાહીન અબ્દુલ્લા વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા' કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા આદેશ કર્યો હતો કે, દેશમાં દ્વેષપૂર્ણ ભાષણ (Hate Speech) ના કિસ્સાઓમાં પોલીસે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક સ્વતઃ (Sua Moto) એફઆઈઆર નોંધવી પડશે. જો કે, એડવોકેટ અમિતા સચદેવાએ સુપ્રીમ કોર્ટમાં કોર્ટની અવમાનના (Contempt of Court) ની અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ આદેશ હોવા છતાં તમિલનાડુ પોલીસ સ્ટાલિન સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

વિધાનસભાના સત્રમાં ફરી ઝેર ઓક્યાનો આરોપ

જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બનેલી હાઈ-લેવલ થ્રી-જજ બેન્ચ સમક્ષ ગત ૨૯ એપ્રિલે આ અવમાનના અરજી પર સુનાવણી થઈ હતી. આ દરમિયાન અરજદારે નવા સબળ પુરાવાઓ સાથે વધુ એક પૂરક અરજી દાખલ કરીને સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે કે, ઉદયનિધિ સ્ટાલિને હજુ તાજેતરમાં જ ૧૨ મેના રોજ તમિલનાડુ વિધાનસભાના પ્રથમ સત્રની સત્તાવાર કાર્યવાહી દરમિયાન ફરીથી સનાતન ધર્મને નાબૂદ કરવાની ઉશ્કેરણીજનક હાકલ કરી હતી. તેમણે ગૃહમાં કથિત રીતે કહ્યું હતું કે, "લોકોને આપસમાં વિભાજીત કરનાર સનાતન ધર્મ ચોક્કસપણે નાબૂદ થવો જ જોઈએ." અરજદારનો દાવો છે કે સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં આવું કરવું એ ન્યાયિક પ્રક્રિયાની ઇરાદાપૂર્વકની અવગણના છે.

મદ્રાસ હાઈકોર્ટે પણ લગાવી હતી ફટકાર:

અગાઉ આ મામલે મદ્રાસ હાઈકોર્ટમાં પણ અરજી થઈ હતી કે આવા વિવાદાસ્પદ નિવેદનો આપનાર વ્યક્તિ કયા આધારે મંત્રી કે જાહેર પદ પર રહી શકે? ત્યારે હાઈકોર્ટે સ્ટાલિનને આકરા શબ્દોમાં પૂછ્યું હતું કે, 'સનાતન ધર્મ' સામે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરતા પહેલાં તેમણે સનાતન ધર્મને સમજવા માટે કયું સંશોધન કે પુસ્તકો વાંચ્યા છે તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરે.

અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫ માં સુપ્રીમ કોર્ટે ઉદયનિધિને વિવિધ નીચલી અદાલતોમાં વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી અને કોર્ટની પરવાનગી વિના નવી એફઆઈઆર નોંધવા પર રોક લગાવી હતી. હવે જ્યારે ૧૨ મેના નવા નિવેદનના પુરાવા કોર્ટ સમક્ષ આવ્યા છે, ત્યારે આગામી ૧૯ મેના રોજ થનારી સુનાવણી પર દેશભરના કાન મંડાયેલા રહેશે.

(8:23 PM IST)