તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
દિશા સાલિયન કેસમાં CBI એક્શન બાદ ઉદ્ધવ ઠાકરે લાલઘૂમ: "પરિવારનું ચારિત્ર્યહરણ બંધ કરો, નહીંતર કોર્ટમાં ઘસડીશું"
રાજકીય દ્વેષથી પ્રેરાઈને છબી ખરાબ કરવાનો આક્ષેપ : SIT તપાસમાં ક્યારેય દખલ નથી કરી ; હવે ખોટા આક્ષેપો સહન નહીં થાય તેવી ચીમકી

મુંબઈ: સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ પ્રકરણમાં બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈ દ્વારા નવી એફઆઈઆર નોંધાતાં જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ મામલે ઠાકરે પરિવાર પર થઈ રહેલા આકરા રાજકીય પ્રહારો વચ્ચે શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રથમ વખત મૌન તોડીને વિરોધીઓ સામે સખત આક્રમક વલણ અપનાવ્યું છે. છત્રપતિ સંભાજીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેમના પરિવારનું ગંદુ ચારિત્ર્યહરણ હવે ચલાવી લેવામાં આવશે નહીં અને જો આ ષડયંત્ર બંધ નહીં થાય તો તેઓ વિરોધીઓને કોર્ટમાં ઘસડી જઈને કડક કાનૂની કાર્યવાહી કરશે.
ઉદ્ધવ ઠાકરેએ વિરોધીઓ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દિશા સાલિયન કેસ સાથે તેમના પરિવારને કે આદિત્ય ઠાકરેને કોઈ જ લેવાદેવા નથી. રાજકીય દ્વેષથી પ્રેરાઈને બળજબરીથી તેમનું નામ આ વિવાદમાં ઘસવામાં આવી રહ્યું છે. કોઈની છબી ખરાબ કરવાની પણ એક મર્યાદા હોય છે. આ અગાઉ આદિત્ય ઠાકરેએ પણ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે તેઓ દિશા સાલિયનને ક્યારેય મળ્યા નથી કે ઓળખતા પણ નથી. ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું કે અત્યાર સુધી સરકાર દ્વારા ગઠિત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આ કેસની તપાસ કરી રહી હોવાથી તેઓ શાંત રહ્યા હતા. અમે તપાસમાં ક્યારેય દખલ કરી નથી. જેને જે તપાસ કરવી હોય તે મુક્તપણે કરી શકે છે, પરંતુ ખોટા આરોપો લગાવીને બદનામ કરવાનું હવે કામ કરશે નહીં.
દિશા સાલિયનના દુઃખદ મૃત્યુ અંગે સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, તે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી અને દરેક વ્યક્તિ તેનાથી દુઃખી છે. પરંતુ તે દુઃખદ અવસાનનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરીને બીજાને બદનામ કરવા એ અત્યંત સસ્તી અને ગંદી રાજનીતિ છે. કોઈ પણ વ્યક્તિ પાયાવિહોણા આક્ષેપો લાંબા સમય સુધી સહન કરી શકે નહીં.
પોતાના પરિવારનો બચાવ કરતા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે તેઓ તપાસ એજન્સીઓથી ડરતા નથી, પરંતુ જો ઠાકરે પરિવાર પર પાયાવિહોણું કાદવ-ઉછાળવાનું બંધ કરવામાં નહીં આવે તો અને અન્ય કડક કાનૂની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૮ જૂન, ૨૦૨૦ના રોજ મુંબઈના માલવણી વિસ્તારમાં દિશા સાલિયનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું, જે બાદ સીબીઆઈએ હાઈકોર્ટના નિર્દેશથી કેસની નવી તપાસ હાથ ધરી છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
