તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
શિવસેના (UBT)ના ૬ સાંસદો શિંદે જૂથમાં જોડાતા ઉદ્ધવ ઠાકરેને જોરદાર ફટકો; લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બોલાવી તાકીદની બેઠક!
'ઓપરેશન ટાઇગર' અંતર્ગત ઉદ્ધવ છાવણીમાં મોટું ગાબડું, સંજય રાઉતે બંદૂક સાથે ફોટો શેર કરી કહ્યું - "ગદ્દારો સામે લડાઈ ચાલુ રહેશે", જ્યારે શિંદે જૂથે કહ્યું - "રાઉતના અહંકારને લીધે પાર્ટી ડૂબી"

નવી દિલ્હી : મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેના (UBT) એટલે કે ઉદ્ધવ ઠાકરે જૂથમાં ફરી એકવાર બહુ મોટું વિભાજન થયું છે. ઉદ્ધવ ઠાકરે પક્ષના ૬ લોકસભા સાંસદો સત્તાવાર રીતે મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના (શિંદે જૂથ) માં જોડાઈ ગયા છે. 'ઓપરેશન ટાઇગર' અંતર્ગત થયેલા આ રાજકીય પલટા બાદ દિલ્હીથી લઈને મુંબઈ સુધી હલચલ મચી ગઈ છે. આ ગંભીર ઘટનાક્રમને પગલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે સાંજે ૫ વાગ્યે એક મહત્વની બેઠક બોલાવી છે.
આ હાઈ-વોલ્ટેજ મીટિંગમાં ઉદ્ધવ જૂથના વરિષ્ઠ સાંસદ અરવિંદ સાવંત અને અનિલ દેસાઈ સ્પીકર ઓમ બિરલાને રૂબરૂ મળીને પોતાનો પક્ષ રજૂ કરશે. ઠાકરે જૂથ સ્પીકરને એવી વિનંતી કરવા જઈ રહ્યું છે કે બળવાખોર બનેલા આ ૬ સાંસદોના જૂથને અલગ પક્ષ તરીકે માન્યતા આપવામાં ન આવે. પક્ષપલટો કરનારા સાંસદોમાં સંજય હરિભાઉ જાધવ, ભાઈસાહેબ રાજારામ વાકચૌરે, ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિમ્બાલકર, સંજય દીના પાટીલ, સંજય ઉત્તમરાવ દેશમુખ અને નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકરનો સમાવેશ થાય છે.
સંજય રાઉતનો બંદૂક સાથેનો ફોટો વાયરલ: "ગદ્દારોને છોડીશું નહીં"
પોતાના ૬ સાંસદો સાથ છોડીને શિંદે છાવણીમાં જતા જ ઉદ્ધવ જૂથના ફાયરબ્રાન્ડ નેતા અને સાંસદ સંજય રાઉત ગુસ્સે ભરાયા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હાથમાં બંદૂક પકડેલો પોતાનો એક આક્રમક ફોટો શેર કર્યો છે. તેમણે શાયરાના અંદાજમાં લલકારતા લખ્યું કે, "ના થાકે કભી જોડી, ના કભી હિમ્મત હારી હૈ. લદના હૈ મહારાષ્ટ્ર કે ગદ્દરોં કે ખિલાફ, હૌસલા હૈ બુલંદ, સફર જારી હૈ! જય મહારાષ્ટ્ર, જય ભવાની, જય શિવાજી!" બીજી તરફ આદિત્ય ઠાકરેએ પણ એકનાથ શિંદે પર પ્રહારો તેજ કર્યા છે.
"સંજય રાઉતના લીધે જ ઉદ્ધવ ઠાકરેની બરબાદી થઈ"
જ્યારે બળવાખોર સાંસદોએ એવો દાવો કર્યો છે કે વિકાસ કામો માટે ફંડની તંગી હોવાના કારણે તેઓ શિંદે જૂથમાં જોડાયા છે, ત્યારે શિંદે જૂથના સાંસદ નરેશ મ્હસ્કેએ આ આખા પતન માટે સંજય રાઉતને જવાબદાર ઠેરવ્યા છે. મ્હસ્કેએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, "આ એકનાથ શિંદેના નેતૃત્વ પર લોકોના વિશ્વાસની જીત છે. હજુ ૬ સાંસદો આવ્યા છે, બાકીના પણ ટૂંક સમયમાં અમારી સાથે આવશે. સંજય રાઉત આખી પાર્ટી પર પોતાનો કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનાથી પક્ષના નેતાઓ અને કાર્યકરો ભારે હતાશ છે. રાઉતની માનસિક સ્થિતિ બગડી ગઈ છે અને તેમના અહંકારના કારણે જ ઉદ્ધવ જૂથનો સફાયો થઈ રહ્યો છે."
હવે જોવાનું એ રહેશે કે લોકસભા સ્પીકર ઓમ બિરલા આ મામલે શું કાયદાકીય નિર્ણય લે છે, પરંતુ આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
બળવાખોર સાંસદોની યાદી:
૧. સંજય હરિભાઉ જાધવ
૨. ભાઈસાહેબ રાજારામ વાકચૌરે
૩. ઓમપ્રકાશ ભૂપાલસિંહ નિમ્બાલકર
૪. સંજય દીના પાટીલ
૫. સંજય ઉત્તમરાવ દેશમુખ
૬. નાગેશ બાપુરાવ પાટીલ અષ્ટિકર
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
