તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ઉદ્ધવની શિવસેનામાં ફરી ભડકો: મહારાષ્ટ્રના રાજકારણમાં 'ઓપરેશન ટાઈગર'ની આહટ વચ્ચે સાંસદોની 'સૌજન્ય મુલાકાત'થી માતોશ્રીમાં હડકંપ
સંજય જાધવ સહિત ત્રણ દિગ્ગજ સાંસદોના પક્ષપલટાની અટકળોએ મુંબઈથી દિલ્હી સુધી ગરમાવો વધાર્યો, મહત્વની બેઠકોમાં ગેરહાજરી અને વિરોધી છાવણીના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમસીથી ઉદ્ધવ ઠાકરેના ગઢમાં ગાબડું પડવાના સંકેત

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. એકનાથ શિંદેના બળવા બાદ માંડ બેઠી થયેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) માં ફરી એકવાર ભંગાણની સ્થિતિ સર્જાઈ હોય તેમ લાગી રહ્યું છે. પક્ષના અગ્રણી નેતા અને સાંસદ સંજય જાધવ ‘માતોશ્રી’ અને ‘સેના ભવન’ ખાતે આયોજિત બે મહત્વની બેઠકોમાં ગેરહાજર રહેતા રાજકીય અટકળો તેજ બની છે. જાધવ છેલ્લા કેટલાક સમયથી નેતૃત્વ સાથે સંપર્ક વિહોણા હોવાના અહેવાલોથી ઉદ્ધવ છાવણીમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.
પક્ષમાં ચાલી રહેલા અસંતોષના ગણગણાટ વચ્ચે સાંસદો નાગેશ પાટિલ અશ્તિકર અને સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવના નિવાસસ્થાને ભોજન સમારંભમાં હાજરી આપી હતી, જેણે આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે. એટલું જ નહીં, સંજય જાધવ ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળ્યા હોવાની ચર્ચાએ ‘ઓપરેશન ટાઈગર’ની વાતને વધુ બળ આપ્યું છે. જોકે, અંબાદાસ દાનવે જેવા વરિષ્ઠ નેતાઓ પક્ષ અકબંધ હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ પડદા પાછળ ચાલી રહેલી આ ‘સૌજન્ય મુલાકાતો’ કોઈ મોટા પક્ષપલટાની પૂર્વતૈયારી હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આ સમગ્ર હિલચાલ પાછળ શિંદે જૂથ કે સીધું ભાજપ નેતૃત્વ જવાબદાર છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. શિંદે જૂથે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે, પરંતુ અંદરખાને એવી ચર્ચા છે કે ઉદ્ધવના ખાસ ગણાતા સાંસદો પણ હવે નવા રાજકીય વિકલ્પો શોધી રહ્યા છે. જો આ અટકળો સાચી સાબિત થશે તો ઉદ્ધવ ઠાકરે માટે આ બીજું મોટું વિભાજન હશે, જે તેમની રાજકીય કારકિર્દી માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. હાલમાં તો મહારાષ્ટ્રના રાજકીય ફલક પર ‘માતોશ્રી’ના વફાદારોની આ હિલચાલ પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
