<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

હેલ્થકેર ક્ષેત્રના અભ્યાસક્રમોમાં UGCનો મોટો ફેરફાર: હવે જનરલ ડિગ્રીને બદલે અપાશે સ્પેશિયલાઇઝ્ડ માસ્ટર ડિગ્રી, જાણો કયા નવા વિષયોનો થયો સમાવેશ

વર્ષ ૨૦૨૬-૨૭થી ફિઝીયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સહિતના પ્રોફેશનલ અભ્યાસક્રમોનું બદલાશે માળખું: અગાઉથી પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને જૂના નિયમોનો લાભ મળશે

નવી દિલ્હી : દેશની હેલ્થકેર અને પેરામેડિક્સ શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવતા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા ડિગ્રીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી ૨૦૨૬-૨૭ શૈક્ષણિક વર્ષથી અમલમાં આવનાર આ નવા નિયમ મુજબ હવે હેલ્થકેર ક્ષેત્રના વિદ્યાર્થીઓને સામાન્ય (જનરલ) ડિગ્રીને બદલે ચોક્કસ વિશેષતા (સ્પેશિયલાઇઝેશન) સાથેની માસ્ટર ડિગ્રી એનાયત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ગત ૨૭ ઓગસ્ટના રોજ ભારતના ગેઝેટમાં આ અંગેની સત્તાવાર સૂચના જારી કરવામાં આવી છે, જે યુજીસી એક્ટ ૧૯૫૬ હેઠળના ડિગ્રી સ્પષ્ટીકરણોમાં પાંચમો સુધારો દર્શાવે છે.

 

આ નવા માળખા હેઠળ માસ્ટર ઓફ ઓક્યુપેશનલ થેરાપી (MOT) અને માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી (MPT) જેવી લોકપ્રિય ડિગ્રીઓ ચલાવતી યુનિવર્સિટીઓએ પોતાના અભ્યાસક્રમોનું પુનર્ગઠન કરવું પડશે. MOT અંતર્ગત મસ્ક્યુલોસ્કેલેટલ સાયન્સ, પેડિયાટ્રિક્સ, નિયોનેટોલોજી, ન્યુરોસાયન્સ, માનસિક સ્વાસ્થ્ય, કાર્ડિયોવાસ્ક્યુલર અને પલ્મોનરી સાયન્સ, રિહેબિલિટેશન, જેરિયાટ્રિક્સ તેમજ હેન્ડ ઓન્કોલોજીકલ સાયન્સ જેવી વિશેષતાઓ સામેલ કરવામાં આવી છે. તેવી જ રીતે MPT માટે પણ સ્પોર્ટ્સ સાયન્સ, ઓન્કોલોજી સાયન્સ અને કોમ્યુનિટી રિહેબિલિટેશન સાયન્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રો નક્કી કરાયા છે. આ તમામ માસ્ટર કોર્સનો સમયગાળો ઓછામાં ઓછો બે વર્ષનો રહેશે અને પ્રવેશ માટે સ્નાતકની ડિગ્રી અનિવાર્ય રહેશે.

 

જૂના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર અને અન્ય કોર્સીસનો સમાવેશ

 

નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ (NCAHP) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ ૨૦૨૬-૨૭ પહેલા આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી લીધો છે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આવા વિદ્યાર્થીઓને જૂના નિયમો મુજબ જ ડિગ્રી આપવામાં આવશે. આ ઉપરાંત, સુધારેલી યાદીમાં ફિઝીયોથેરાપી ઉપરાંત મેડિકલ લેબોરેટરી સાયન્સ, હેમેટોલોજી, હિસ્ટોલોજી, ઇમરજન્સી મેડિકલ ટેક્નોલોજી, ડાયાલિસિસ થેરાપી અને હેલ્થ ઇન્ફર્મેશન મેનેજમેન્ટ જેવા અનેક મહત્વપૂર્ણ બેચલર અને માસ્ટર અભ્યાસક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વધુ સ્પષ્ટ અને વ્યાવસાયિક માન્યતા મળી રહે.

(12:00 AM IST)