News of Sunday, 28th June 2026
રશિયાના દિલ પર યુક્રેનનો જોરદાર પ્રહાર: બે મોટી ઓઇલ રિફાઇનરીઓ પર ડ્રોન હુમલાથી આકાશમાં ઉઠ્યા આગના ગોટેગોટા
સીમાથી 700 કિલોમીટર અંદર ઘૂસીને ઝેલેન્સકીના ડ્રોન્સે પુતિનની યુદ્ધ મશીનરીને પંક્ચર કરી : તેલના કુવાઓ અને શસ્ત્રોના કારખાના સળગાવીને રશિયામાં ભારે ગભરાટ ફેલાવ્યો

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે પાંચમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે અને તેની ભયાનકતા સતત વધી રહી છે. રવિવારે રાત્રે યુક્રેને સરહદ પાર કરીને રશિયાના ક્રાસ્નોદર અને યારોસ્લાવલ પ્રદેશોમાં આવેલી બે અતિ મહત્વની તેલ રિફાઇનરીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાને કારણે રિફાઇનરીઓમાં ગગનચુંબી વિસ્ફોટો સાથે ભયાનક આગ ફાટી નીકળી હતી, જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ ઓપરેશનની પુષ્ટિ કરતા ગર્વભેર જણાવ્યું હતું કે, રશિયાની યુદ્ધ ક્ષમતાઓને આર્થિક અને સૈન્ય રીતે નબળી પાડવા માટે યુક્રેનની સેનાએ સરહદથી 300 અને 700 કિલોમીટર દૂર આવેલા રશિયન સૈન્ય લોજિસ્ટિક્સના હબને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા છે.
આ હુમલામાં ક્રાસ્નોદર પ્રદેશના ખાતે આવેલી વિશાળ ખાનગી રિફાઇનરી આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ હતી. રોજની આશરે 1,00,000 બેરલ ઇંધણનું ઉત્પાદન કરતી આ રિફાઇનરી પર થયેલા બ્લાસ્ટને કારણે નજીકના ગામમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સિવાય, યારોસ્લાવલ પ્રદેશમાં પણ થયેલા ડ્રોન હુમલાને કારણે મોસ્કો તરફ જતા અનેક મુખ્ય રાજમાર્ગોને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરવા પડ્યા હતા. માત્ર તેલના કુવાઓ જ નહીં, પરંતુ યુક્રેનની સુરક્ષા એજન્સી 'SBU' ના ડ્રોન્સે વોલ્ગોગ્રાડ ક્ષેત્રમાં આવેલા 'ટાઇટન-બેરિકેડી' શસ્ત્રોના પ્લાન્ટ અને વ્લાદિમીર પ્રદેશના વટોરોવો ઓઇલ પમ્પિંગ સ્ટેશનને પણ નેસ્તનાબૂદ કરી દીધા છે.
બીજી તરફ, રશિયા પણ આ હુમલાઓથી શાંત બેઠું નથી અને તેણે યુક્રેનના ઉર્જા કેન્દ્રોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રશિયાએ ગયા અઠવાડિયે જ યુક્રેનના 15 અલગ-અલગ પ્રદેશો પર આશરે 1,400 ડ્રોન અને 19 અત્યાધુનિક મિસાઇલોનો વરસાદ કર્યો હતો, જેમાં યુક્રેનની સરકારી ઉર્જા કંપની નાફ્ટોગાઝની પોલ્ટાવા અને ખાર્કિવ ખાતેની ફેક્ટરીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઝેલેન્સકીએ પશ્ચિમી સાથી દેશો પાસે વધુ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરતા ઉમેર્યું હતું કે, રશિયા પર આ પ્રકારના લાંબા અંતરના ઘાતક હુમલાઓ સતત વધતા રહેશે, કારણ કે આ આક્રમક દબાણ જ ભવિષ્યમાં રશિયાને ઘૂંટણિયે લાવીને એક સન્માનજનક શાંતિ સ્થાપવાનો પાયો નાખશે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
