<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

યુક્રેનના વિસ્ફોટક ડ્રોન હુમલાથી રશિયામાં ઇંધણનો હાહાકાર: રશિયન ૧૧ ટાઈમ ઝોનમાં પેટ્રોલની તીવ્ર અછત વર્તાતા પુતિન સરકારે ભારત પાસે માંગી મદદ, સમુદ્ર માર્ગે ગેસોલિન મોકલવાનું શરૂ કરાયું

વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંના એક રશિયામાં ફિલિંગ સ્ટેશનો પર લાગી લાંબી કતારો; પરિસ્થિતિને થાળે પાડવા માટે ભારતના રસ્તેથી ઇંધણની આયાત શરૂ કરાઈ અને ટેક્સના નિયમો પણ બદલાયા

નવી દિલ્હી : યુક્રેન દ્વારા રશિયાના ઉર્જા માળખા અને ઓઇલ રિફાઇનરીઓ પર કરવામાં આવેલા શ્રેણીબદ્ધ ડ્રોન હુમલા બાદ રશિયામાં બળતણની કટોકટી વધુ ઘેરી બની છે. રશિયાના વિશાળકાય ૧૧ સમય ઝોન (Time Zones) માં આ અછતની વ્યાપક અસર જોવા મળી રહી છે, જેના કારણે ત્યાં ફિલિંગ સ્ટેશનો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને ગેસોલિનના ભાવોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે હવે ક્રેમલિન (રશિયન સરકાર) પેટ્રોલ અને ગેસોલિન માટે ભારત તરફ વળ્યું છે અને દરિયાઈ માર્ગે ભારતમાંથી ઇંધણની આયાત શરૂ કરી દીધી હોવાના અહેવાલ બે મોટા ઉદ્યોગ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે અત્યાર સુધીમાં રશિયાને ઓછામાં ઓછું ૬૦,૦૦૦ મેટ્રિક ટન ગેસોલિન મોકલી આપ્યું છે. આ પુરવઠો ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ ટનની ક્ષમતા ધરાવતા બે મોટા દરિયાઈ કાર્ગો દ્વારા રશિયા પહોંચાડવામાં આવ્યો છે. રશિયા હાલમાં પડોશી દેશ બેલારુસ સહિત અન્ય સસ્તા સ્ત્રોતો પાસેથી દર મહિને અંદાજે ૪,૦૦,૦૦૦ ટન ગેસોલિન આયાત કરવાની મોટી યોજના પર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં રશિયામાં ઇંધણની માંગ તેની ટોચ પર હોય છે અને ત્યાં રોજનો વપરાશ આશરે ૧,૧૦,૦૦૦ ટન જેટલો નોંધાય છે. જોકે, ભારતની કઈ ચોક્કસ રિફાઇનરી કંપની આ ગેસોલિન સપ્લાય કરી રહી છે તેની સત્તાવાર માહિતી હજુ જાહેર થઈ નથી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ સરકારી મંત્રીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં સ્વીકાર્યું હતું કે યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે દેશના કેટલાક ભાગોમાં ઇંધણની તંગી સર્જાઈ છે, પરંતુ તેમણે દાવો કર્યો હતો કે સ્થિતિ પર ઝડપથી કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. આ કટોકટીને પહોંચી વળવા માટે ગયા અઠવાડિયે રશિયન સંસદે પોતાના ટેક્સ કોડમાં પણ મહત્વના સુધારા મંજૂર કર્યા છે, જે અંતર્ગત ભારતીય ડિલિવરી ખર્ચ અને કિંમતોના આધારે ઇંધણની આયાત માટે ખાસ સબસિડી પણ આપવામાં આવશે.

બીજી તરફ, આ આખી ઘટના વચ્ચે ભારત અને રશિયા વચ્ચેનો તેલ વેપાર એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. શિપ ટ્રેકિંગ ડેટા (LSEG અને Kpler) અનુસાર, જૂન મહિનામાં ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઇલ (કાચું તેલ) ની આયાત સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) બંધ થવાના કારણે અન્ય દેશોમાંથી થતા સપ્લાયના જોખમને ટાળવા માટે ભારતીય રિફાઇનર્સે રશિયા પાસેથી રેકોર્ડબ્રેક ખરીદી કરી છે. જૂન મહિનામાં ભારતની કુલ તેલ આયાતમાં રશિયન ક્રૂડ ઓઇલનો હિસ્સો ૫૦% થી પણ વધુ થઈ ગયો છે, જે મે મહિનામાં માત્ર ૩૬.૫ ટકા હતો. આંકડા દર્શાવે છે કે વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓઇલ આયાતકાર એવા ભારતે જૂન મહિનામાં દરરોજ અંદાજે ૨.૭૦ મિલિયન (૨૭ લાખ) બેરલ રશિયન કાચું તેલ મેળવ્યું છે.

(7:33 PM IST)