<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

યુક્રેનનો 'મેગા ડ્રોન' એટેક: રશિયાના પર્મ તેલ ડેપોમાં ભીષણ આગ

સીમાઓ ઓળંગીને ૧,૫૦૦ કિમી દૂર રશિયાના ઉરલ પર્વતમાળા સ્થિત ઓઈલ સ્ટેશન પર યુક્રેનિયન ડ્રોનનો સચોટ પ્રહાર: ઝેલેન્સકીનો લાંબા અંતરની હુમલાખોર ક્ષમતાનો હુંકાર

કિવ: યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધે હવે નવો વળાંક લીધો છે. યુક્રેને રશિયાના પર્મ પ્રદેશમાં આવેલા એક વિશાળ તેલ સુવિધાને નિશાન બનાવી ૧,૫૦૦ કિલોમીટર દૂર સુધી ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાને કારણે ઓઈલ પમ્પિંગ સ્ટેશન અને સ્ટોરેજ સંકુલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના ધુમાડાના ગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા. રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે યુક્રેનની લાંબા અંતરની પ્રહાર ક્ષમતા હવે રશિયાના સંરક્ષિત વિસ્તારો સુધી પહોંચી ગઈ છે.

રશિયાના પર્મ પ્રદેશના ગવર્નર દિમિત્રી માખોનિને સ્વીકાર્યું છે કે ઔદ્યોગિક સંકુલ પર ડ્રોન હુમલો થયો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે રાતોરાત ૯૮ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે, જ્યારે સામી બાજુ યુક્રેનિયન વાયુસેનાએ ૧૫૪ રશિયન ડ્રોન તોડી પાડવાનો દાવો કર્યો છે. આ આંકડાકીય જંગ વચ્ચે પર્મમાં લાગેલી આગ રશિયાની ઉર્જા સુરક્ષા અને આવક માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે, કારણ કે યુક્રેન હવે સીધી રીતે રશિયાની આર્થિક કરોડરજ્જુ ગણાતા તેલ ક્ષેત્રો પર સચોટ નિશાન સાધી રહ્યું છે.

ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે આ હુમલાઓનો વ્યાપ હજુ પણ વધારવામાં આવશે જેથી રશિયાની યુદ્ધ ક્ષમતાઓને નબળી પાડી શકાય. છેલ્લા બે અઠવાડિયામાં રશિયન તેલ રિફાઇનરીઓ પર આ ત્રીજો મોટો હુમલો છે. અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુક્રેન હવે સરહદથી સેંકડો માઈલ દૂર રશિયાના અંદરના વિસ્તારોમાં 'સર્જિકલ સ્ટ્રાઈક' કરી રહ્યું છે, જે પુતિન વહીવટીતંત્ર માટે સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

(10:59 PM IST)