<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ઉમર અબ્‍દુલ્‍લાએ કર્યા બીજા લગ્નઃ નિધિ રાઝદાન બન્‍યાં જીવનસાથી

જમ્‍મુ-કાશ્‍મીરના મુખ્‍યમંત્રી ઉમર અબ્‍દુલ્‍લાએ જાણીતા પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યા : સુપ્રીમ કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યાના ૩ મહિના બાદ લગ્ન

શ્રીનગર તા.૨: જમ્‍મુ-કાશ્‍મીરના મુખ્‍યમંત્રી ઉમર અબ્‍દુલ્‍લાએ જાણીતા પત્રકાર નિધિ રાઝદાન સાથે લગ્ન કર્યા છે. લગ્નના એક દિવસ બાદ ઉમર અબ્‍દુલ્‍લાએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્‍ટ બાદ રાજકીય પક્ષોના નેતાઓ અને વરિષ્ઠ પત્રકારો તરફથી શુભેચ્‍છાઓનો વરસાદ શરૂ થઈ ગયો છે.

ઉમર અબ્‍દુલ્‍લા અને નિધિ રાઝદાનના લગ્ન એવા સમયે થયા છે, જ્‍યારે આશરે ૩ મહિના પહેલાં જ દેશની સર્વોચ્‍ચ અદાલતે ઉમર અબ્‍દુલ્‍લા અને તેમની અલગ રહેતી પત્‍ની પાયલ અબ્‍દુલ્‍લા વચ્‍ચેના છૂટાછેડાને મંજૂરી આપી હતી.

૩૧ જુલાઈ ૨૦૨૬નો સુપ્રીમ કોર્ટનો નિર્ણયઃ સુપ્રીમ કોર્ટે બંને પક્ષો વચ્‍ચે પરસ્‍પર સંમતિથી છૂટાછેડાની મંજૂરી આપવા સંમતિ દર્શાવી હતી. કેસ પાછા ખેંચવા સંમતિઃ અદાલતમાં બંને પક્ષોએ સ્‍પષ્ટ કર્યું હતું કે તેઓ તમામ પેન્‍ડિંગ વિવાદો પરસ્‍પર સહમતિથી ઉકેલવા તૈયાર છે અને એકબીજા સામે નોંધાયેલા તમામ કાનૂની કેસો પાછા ખેંચી લેશે.

દિલ્‍હી હાઈકોર્ટે અગાઉ ઉમર અબ્‍દુલ્‍લાને પાયલ અબ્‍દુલ્‍લાથી છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યો હતો, જેને ઉમર અબ્‍દુલ્‍લાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન બંને પક્ષોએ ભારતીય બંધારણની કલમ ૧૪૨ હેઠળ સંપૂર્ણ ન્‍યાયના અધિકાર અંતર્ગત પરસ્‍પર સંમતિથી છૂટાછેડાની સંયુક્‍ત અરજી કરી હતી. દેશના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલે બંને પક્ષો વતી કોર્ટને જણાવ્‍યું હતું કે તેઓ તમામ મતભેદો દૂર કરીને અલગ થવા માટે સહમત થઈ ગયા છે.

ઉમર અબ્‍દુલ્‍લા અને પાયલ નાથની મુલાકાત દિલ્‍હીની જાણીતી ઓબેરોય હોટલમાં કામ કરવા દરમિયાન થઈ હતી અને ત્‍યારબાદ બંનેએ વર્ષ ૧૯૯૪ માં લગ્ન કર્યા હતા. બંને વચ્‍ચેના સંબંધોમાં અંતર આવ્‍યા બાદ તેઓ વર્ષ ૨૦૦૯થી એકબીજાથી અલગ રહેતા હતા. ઉમર અબ્‍દુલ્‍લાએ સત્તાવાર રીતે ૨૦૧૧માં અલગ થવાની પુષ્ટિ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ અવલોકન કર્યું હતું કે બંને પક્ષો છેલ્‍લા ઘણા વર્ષોથી અલગ રહી રહ્યા હતા.

 

(9:57 AM IST)