News of Wednesday, 7th October 2026
ઈસ્લામાબાદમાં પત્રકારના કાશ્મીર અંગેના પ્રશ્નને યુએન વડાએ નકાર્યો: વૈશ્વિક શાંતિ માટે યુએનએસસીમાં સુધારા જરૂરી ગણાવ્યા
ત્રણ દિવસીય પાકિસ્તાન પ્રવાસે પહોંચેલા યુએન મહાસચિવ ગુટેરેસે કાશ્મીર મુદ્દાને અવગણી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાર્યક્ષમતા અને કાયદેસરતા પર સવાલો ઉઠાવ્યા

ઈસ્લામાબાદ, તા.૦૭: પાકિસ્તાનની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે પહોંચેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઈસ્લામાબાદમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પાકિસ્તાની પત્રકાર દ્વારા કાશ્મીર મુદ્દે પૂછાયેલા પ્રશ્નને સંપૂર્ણપણે અવગણી દીધો હતો. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારની ઉપસ્થિતિમાં ગુટેરેસે કાશ્મીર અંગે કોઈ સીધો જવાબ આપવાને બદલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની વર્તમાન કાયદેસરતા અને રચનાત્મક સુધારાની જરૂરિયાત પર મંતવ્ય રજૂ કરી મુદ્દો ડાયવર્ટ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે સ્પષ્ટ કર્યું હતું કે તમામ વૈશ્વિક સમસ્યાઓ શાંતિ અને સંવાદ દ્વારા ઉકેલી શકાય છે. સુરક્ષા પરિષદમાં સુધારાની હાકલ કરતાં તેમણે જણાવ્યું કે, વર્તમાન સમયમાં યુએનએસસી આખા વિશ્વનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતી નથી. ઉદાહરણ તરીકે કાયમી સભ્યોમાં ત્રણ યુરોપિયન દેશો છે પરંતુ આફ્રિકા ખંડનો એક પણ સભ્ય નથી. પરિણામે સુરક્ષા પરિષદ પોતાની વૈધતા અને કાર્યક્ષમતાના ગંભીર સંકટનો સામનો કરી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે મહાસત્તાઓ અને સુરક્ષા પરિષદના કાયમી સભ્યો જ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને સંઘર્ષો ઊભા કરી રહ્યા છે, જેના કારણે અન્ય દેશો પણ પોતાની મરજી મુજબ વર્તવા પ્રોત્સાહિત થાય છે. આ વૈશ્વિક સમસ્યાનો ઉકેલ યુએનએસસીમાં વ્યાપક સુધારા કરીને જ લાવી શકાય તેમ છે. મહાસચિવના આ વલણથી આંતરરાષ્ટ્રીય મંચ પર કાશ્મીર મુદ્દાને ઉછાળવાની પાકિસ્તાનની વધુ એક મુત્સદ્દીગીરી નિષ્ફળ નીવડી છે.
બીજી તરફ, તાન્ઝાનિયાના અરુશા ખાતે યોજાયેલી ઇન્ટર-પાર્લામેન્ટરી યુનિયન (IPU)ની ૧૫૩મી એસેમ્બલીમાં ભારતે પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢી હતી. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે 'જવાબ આપવાના અધિકાર'નો ઉપયોગ કરતા સ્પષ્ટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અવિભાજ્ય અંગ રહ્યા છે અને હંમેશા રહેશે. તેમણે પાકિસ્તાન દ્વારા બહુપક્ષીય મંચોનો દુરુપયોગ કરીને પાયાવિહોણો પ્રચાર કરવાની દૂષિત આદતને ખુલ્લી પાડી હતી.
ભારતનું આ મક્કમ વલણ સીમાપારના આતંકવાદ પ્રત્યેની શૂન્ય સહિષ્ણુતા નીતિને અનુરૂપ છે. ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' અને 'ઓપરેશન મહાદેવ' દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી નેટવર્કને ધ્વસ્ત કરી દીધું હતું અને હુમલાખોરોને ઠાર માર્યા હતા, જેના કારણે પાકિસ્તાનને સરહદ પર યુદ્ધવિરામ માટે મજબૂર થવું પડ્યું હતું.
આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક રાજદ્વારી મંચો પર પાકિસ્તાન ફરી એકવાર એકલું પડી ગયું હોવાનું સ્પષ્ટ થાય છે. ભારત પોતાના સાર્વભૌમત્વ અને સરહદી સુરક્ષા પ્રત્યે અડીખમ વલણ દાખવી રહ્યું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ હવે આતંકવાદ અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર પાકિસ્તાનની વિફરેલી વાતોને ધ્યાને લેવાને બદલે સંયુક્ત રાષ્ટ્રમાં માળખાકીય સુધારાઓ પર વધુ ભાર મૂકી રહ્યો છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
