તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
જમ્મુમાં નિર્માણાધીન પુલ ધરાશાયી: દુર્ઘટનામાં ૩ મજૂરોના મોત, બચાવ કામગીરી પૂરજોશમાં

જમ્મુ: જમ્મુના બહારના વિસ્તારમાં આવેલ બંટલાબ-ઠાઠર વિસ્તારમાં એક નિર્માણાધીન પુલનો અમુક ભાગ અચાનક ધરાશાયી થતાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. આ ગોઝારી ઘટનામાં અત્યાર સુધીમાં ૩ મજૂરોના કરુણ મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પુલના કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક મજૂરો ફસાયેલા હોવાની આશંકા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમ્મુના બંટલાબ વિસ્તારમાં આ પુલના નિર્માણ અને રિટેનિંગ વોલનું કામ ચાલી રહ્યું હતું. કામ દરમિયાન અચાનક જ પુલનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરોને ભાગવાની કે બચવાની કોઈ તક મળી ન હતી અને તેઓ ભારે કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં ભારતીય સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કાટમાળ હટાવવા અને અંદર ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારે મશીનરી (જેસીબી વગેરે)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી જીવિત બહાર કઢાયેલા ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
તંત્ર દ્વારા હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા અન્ય શ્રમિકોની શોધખોળ સતત ચાલુ રાખવામાં આવી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોની બેદરકારી છે, તે અંગે પણ આગામી સમયમાં તપાસ હાથ ધરવામાં આવશે. *
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
