<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

અંડરવર્લ્ડ પર ED નો સકંજો: દાદાગીરી કરી સીલ તોડનારા સામે આકરા પ્રહાર : દાઉદના ભાઈ ઇકબાલ કાસકર કેસમાં થાણેનો ફ્લેટ સીલ!

અંડરવર્લ્ડ ડોનની ખંડણીથી કમાયેલી મિલકત પર ED નું તાળું તોડી કબ્જો કરવાનો પ્રયાસ નિષ્ફળ : સ્પેશિયલ PMLA કોર્ટ અને પોલીસના કાફલા સાથે દરોડો પાડી એજન્સીએ ફરીથી ફ્લેટનો તાબો મેળવ્યો

મુંબઈ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના ભાઈ ઇકબાલ કાસકર સામે ઇડીનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. મની લોન્ડરિંગ અને ખંડણી રેકેટના કેસમાં ED દ્વારા જપ્ત કરવામાં આવેલા મહારાષ્ટ્રના થાણે સ્થિત એક ફ્લેટનું સરકારી તાળું તોડીને અંડરવર્લ્ડના મળતિયાઓએ ગેરકાયદે કબ્જો કરવાનો ભયાનક દાસતાન સામે આવ્યો હતો. જોકે, તપાસ એજન્સીએ આ દાદાગીરી સામે લાલ આંખ કરી સ્પેશિયલ PMLA કોર્ટના આદેશથી ભારે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને ફ્લેટનો કબજો પાછો મેળવી લીધો છે અને સરકારી કબ્જાની કાનૂની નોટિસ ફાડી નાખનારા ગુનેગારો સામે એફઆઈઆર (FIR) નોંધાવી છે.

મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ચાલી રહેલી તપાસમાં ખુલાસો થયો હતો કે ઇકબાલ કાસકર, મુમતાઝ અજાઝ શેખ ઉર્ફે રાજુ અને ઇસરાર અલી સૈયદ જેવા ગેંગસ્ટરોએ ડર અને ધમકીઓ આપીને ફ્લેટ નંબર 405 મુમતાઝ શેખના નામે નોંધાવ્યો હતો. આ પ્રોપર્ટી ખંડણીના કાળા નાણાંથી ઊભી કરાઈ હોવાનું સાબિત થતાં ED એ એપ્રિલ 2022માં તેને જપ્ત કરી ડિસેમ્બર 2024માં તેનો ભૌતિક કબ્જો લઈ લીધો હતો. પરંતુ અંડરવર્લ્ડના ઈશારે કેટલાક અસામાજિક તત્વોએ સીલ કરેલા ફ્લેટના તાળાઓ સાથે છેડછાડ કરી, સરકારી નોટિસ ઉખાડી ફેંકીને ફ્લેટમાં અનધિકૃત પ્રવેશ કર્યો હતો.

આ ગંભીર ગુનાની જાણ થતાં જ ED ની મુંબઈ ઝોનલ ઓફિસે તાત્કાલિક સ્પેશિયલ PMLA કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટના સ્પષ્ટ નિર્દેશ બાદ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ કાસરવડાવલી પોલીસ સ્ટેશનના કાફલા અને પંચોની હાજરીમાં ફ્લેટના તાળાઓ બદલીને ફરીથી સીલ મારી દેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૨૯(૪) અને ૨૨૩ હેઠળ ગુનો નોંધીને સરકારી મિલકત સાથે ચેડા કરનારા તત્વોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે, જેનાથી અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ગુંડાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

(10:57 PM IST)