News of Friday, 24th July 2026
ઇઝરાયલના સખત વાંધા છતાં યુનેસ્કોનો ઐતિહાસિક નિર્ણય: વેસ્ટ બેન્કના સેબાસ્ટિયા અને લેબનોનના ૫ કિલ્લાનો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ
દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાયેલી સમિતિની બેઠકમાં કટોકટીના ધોરણે લેવાયો નિર્ણય; સ્થળોને ‘જોખમમાં રહેલા વિશ્વ વારસા’ની યાદીમાં પણ સ્થાન મળ્યું

યરૂશાલેમ/બુસાન, તા.૨૪: સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (UNESCO) ની સમિતિએ ઇઝરાયલના તીવ્ર વિરોધ અને વાંધાઓને ફગાવીને એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનેસ્કોએ ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ બેન્કના ઐતિહાસિક પુરાતત્વીય સ્થળ ‘સેબાસ્ટિયા’ (Sebastia) અને દક્ષિણ લેબનોનના માઉન્ટ એમેલ પ્રદેશમાં આવેલા ૫ પ્રાચીન કિલ્લાઓને ‘વર્લ્ડ હેરિટેજ લિસ્ટ’ તેમજ ‘જોખમમાં રહેલા વિશ્વ વારસાની યાદી’માં ઉમેરવા માટે મતદાન કર્યું છે.
દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં આયોજિત યુનેસ્કો સમિતિની બેઠકમાં કટોકટીના ધોરણે બંને નામાંકનોની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે આ નામાંકનોને "સાંસ્કૃતિક વારસાનું શસ્ત્રીકરણ" ગણાવીને યુનેસ્કોને તેને ફગાવી દેવા અપીલ કરી હતી, છતાં સમિતિએ આ હોદ્દો મંજૂર કર્યો છે.
બાઈબલના ઇતિહાસ સાથે જોડાયેલું સેબાસ્ટિયા
નાબ્લુસથી આશરે ૧૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલું સેબાસ્ટિયા વિદ્વાનોમાં પ્રાચીન સમરિયા તરીકે જાણીતું છે, જે બાઈબલના સમયગાળાના ઇઝરાયલ રાજ્યની રાજધાની હતું.
• પુરાતત્વીય મહત્વ: આ સ્થળે લોહ યુગ, રોમન, બાયઝેન્ટાઇન અને ઇસ્લામિક શાસનકાળના અમૂલ્ય અવશેષો મોજૂદ છે.
• ધાર્મિક આસ્થા: ખ્રિસ્તી અને ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, સેન્ટ જ્હોન બાપ્ટિસ્ટની દફનવિધિ અહીં જ કરવામાં આવી હતી.
• સંરક્ષણની માંગ: પેલેસ્ટિનિયન પ્રતિનિધિમંડળે સૌપ્રથમ ૨૦૧૨માં આ સ્થળ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. હાલ ઇઝરાયલી નિયંત્રણ હેઠળ રહેલા આ વિસ્તારમાં વસાહતીઓની પ્રવૃત્તિઓ અને જમીન જપ્તી સામે સ્થળનું જતન કરવા આ દરજ્જો જરૂરી હોવાની દલીલ કરાઈ હતી.
ઇઝરાયલનો આકરો વિરોધ અને આરોપો
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને પેલેસ્ટાઇન પર યુનેસ્કોના મંચનો ઉપયોગ કરીને ઇતિહાસ ભૂંસવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો છે. ઇઝરાયલે દાવો કર્યો હતો કે સેબાસ્ટિયાના યહૂદી અને ખ્રિસ્તી વારસાને નજરઅંદાજ કરવા માટે આ એક રાજકીય દાવપેચ છે.
આ ઉપરાંત, ઇઝરાયલે લેબનોનના ‘બ્યુફોર્ટ કેસલ’ના સમાવેશ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. ઇઝરાયલનો આરોપ છે કે ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહે આ કિલ્લાની નીચે ટનલો બનાવીને અને આસપાસથી રોકેટ છોડીને તેને લશ્કરી અડ્ડો બનાવી દીધો છે. યુનેસ્કો અને લેબનીઝ દૂતાવાસે આ આરોપો પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.
લેબનોનના ૫ કિલ્લા અને પ્રાચીન ટાયર શહેર
યુનેસ્કોના જણાવ્યા મુજબ, માઉન્ટ એમેલ પ્રદેશના પાંચ કિલ્લાઓ લગભગ ૯ સદીઓ જૂના સ્થાપત્ય વારસાનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં ક્રુસેડર, આયુબિદ અને મામલુક સ્થાપત્યશૈલીનો સંગમ જોવા મળે છે. આ ઉપરાંત, યુનેસ્કો સમિતિએ દક્ષિણ લેબનોનના અતિ પ્રાચીન ફોનિશિયનોના શહેર ‘ટાયર’ (Tyre) ને પણ જોખમમાં રહેલા વિશ્વ વારસાની સૂચિમાં મૂક્યું છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
