News of Thursday, 9th July 2026
રેવન્યુ વિસ્તારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીની ગંભીર ચિંતા : ગેરકાયદેસર લાયન શો સામે કડક પગલાં લેવા સરકારને અપીલ : જુઓ વિડીયો
સિંહ-સિંહણના મેટિંગ કે ફીડિંગ સમયે માનવ હસ્તક્ષેપથી આવી દુઃખદ ઘટનાઓ બને છે, જેનાથી સિંહ બદનામ થાય છે : વન વિભાગ દરેક જગ્યાએ પહોંચી ન શકે, સિંહપ્રેમીઓ અને સ્થાનિકો સાવચેતી રાખે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર: તાજેતરમાં રેવન્યુ (મહેસૂલી) વિસ્તારમાં બનેલી એક અત્યંત દુઃખદ અને કમનસીબ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જાણીતા સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ વન્યજીવોના સંરક્ષણ અને માનવ સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક યુવાન પ્રત્યે ઊંડી સંવેદના પ્રગટ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સિંહના સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપન માટે આ પ્રકારની ઘટનાઓ અત્યંત ચિંતાજનક છે. આ તકે તેમણે વન વિભાગનો બચાવ કરતા જણાવ્યું હતું કે, ખરી મુશ્કેલી નેશનલ પાર્કની અંદર નહીં, પરંતુ રેવન્યુ વિસ્તારોમાં છે, જ્યાં વન વિભાગનો સ્ટાફ દરેક જગ્યાએ અને દરેક સમયે હાજર ન રહી શકે.
ડિસ્ટર્બ કરવાથી કે મસ્તી કરવાથી આવી ઘટનાઓ બને છે:
પરિમલભાઈ નથવાણીએ સિંહની પ્રકૃતિ અને વર્તણૂક વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું કે, "સિંહનું મેટિંગ પાંચ દિવસ સુધી સતત ચાલતું હોય છે. આવા સંવેદનશીલ સમયે ત્યાં ઊભા રહીને એની સાથે મસ્તી કરવી કે તેને ડિસ્ટર્બ કરવાના કારણે જ આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આકાર લેતી હોય છે, જેના લીધે અંતે સિંહ વગર કારણે બદનામ થાય છે." તેમણે વધુમાં ઉમેર્યું કે સિંહ-સિંહણના મેટિંગ અથવા ફીડિંગના સમયે થતા બિનજરૂરી માનવ હસ્તક્ષેપ કે પજવણી જ આવા હુમલાઓ પાછળનું મુખ્ય કારણ બને છે.
ચાળો કરવાનું જોખમ ક્યારેય ન લેવું: સિંહપ્રેમીઓને હાર્દિક અપીલ:
તેમણે ગીર પંથકના તમામ સિંહપ્રેમીઓ, પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને વન્યજીવોની હાજરી વચ્ચે અત્યંત સાવચેતી રાખવા માટે હાર્દિક અપીલ કરી છે. ખાસ કરીને જ્યારે સિંહ મેટિંગ પિરિયડમાં હોય અથવા સિંહણ પોતાના નાના બચ્ચાઓ સાથે હોય કે ફીડિંગ (ખોરાક ગ્રહણ) કરતી હોય, ત્યારે તેની નજીક જવાનું કે કોઈપણ પ્રકારનો ચાળો અથવા હેરાનગતિ કરવાનું જોખમ ક્યારેય ન લેવું જોઈએ. વન્યજીવોને પોતાના કુદરતી આવાસ અને એકાંતમાં ખલેલ ન પહોંચે તે જોવાની જવાબદારી નાગરિકોની પણ છે.
ગેરકાયદેસર લાયન શો સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ:
પરિમલભાઈ નથવાણીએ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીછૂપીથી થતા ગેરકાયદેસર લાયન શો અને સિંહની થતી રંજાડ સામે કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. લાયન શોના નામે સિંહોને લાલચ આપીને કે હેરાન કરીને પૈસા કમાવવાની પ્રવૃત્તિ વન્યજીવોને હિંસક બનાવી શકે છે. તેમણે રાજ્ય સરકારને પણ આ ગંભીર બાબતે અત્યંત ગંભીરતાથી વિચારણા કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ લાયન શો કરનારા તત્વો સામે દાખલારૂપ અને કડક કાનૂની કાર્યવાહી કરવા માટે ખાસ અનુરોધ કર્યો છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
