તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ રવિવારે ગુજરાતમાં કરશે વિકાસકાર્યોનું ઉદ્ઘાટન : અમદાવાદ અને ગાંધીનગરમાં ટેક પાર્ક, મધુર ડેરીના નવા પ્લાન્ટ અને પાણી વિતરણ પ્રણાલી સહિતના ૯ મોટા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત એસટીપી પ્લાન્ટ, યોગ સ્ટુડિયો, પુસ્તકાલય અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જનતા ચરણોમાં અર્પણ કરાશે : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન અને ટાઉન હોલ ખાતે યોજાશે શિલાન્યાસ સમારોહ

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી તારીખ ૧૭ મે ૨૦૨૬ ને રવિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ એક દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને પાટનગર ગાંધીનગર ખાતે કરોડો રૂપિયાના વિવિધ લોકહિત અને વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન, મુલાકાત તથા શિલાન્યાસ કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ રવિવારે સવારથી સાંજ સુધીમાં કુલ ૯ જેટલા મહત્વકાંક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને જનતાને આધુનિક સુવિધાઓની ભેટ આપશે.
સવારના સત્રમાં આઈટી ટેક પાર્ક અને એનઆઈડીના ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન:
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના રવિવારના વ્યસ્ત કાર્યક્રમોની વિગતવાર વિગતો નીચે મુજબ છે:
કાર્યક્રમ ૧ (સવારે ૧૦:૩૦ કલાકે): તેઓ અમદાવાદમાં ત્રાગડ ખાતે નિરમા યુનિવર્સિટીની પાછળ, માલાબાર કાઉન્ટી રોડ પર આવેલા મિલિયન માઇન્ડ્સ ટેક સિટી ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નવનિર્મિત 'મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક' અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ભવ્ય જાહેર કાર્યક્રમમાં ઉદ્ઘાટન કરશે.
કાર્યક્રમ ૨ (સવારે ૧૧:૪૫ કલાકે): ગાંધીનગરમાં ઇન્ફોસિટી પાસે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ (NID) ખાતે ગાંધીનગરના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC) નું જાહેર કાર્યક્રમમાં ઉદ્ઘાટન કરશે.
બપોરે મધુર ડેરીના આધુનિક પ્લાન્ટ અને બગીચાની ભેટ મળશે
કાર્યક્રમ ૩ (બપોરે ૧:૩૦ કલાકે): ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સેક્ટર ૧ માં ચ-૦ કોર્નર પર નવનિર્મિત કરવામાં આવેલા સુંદર બગીચાનું તેઓ ઉદ્ઘાટન કરશે.
કાર્યક્રમ ૪ (બપોરે ૧:૪૫ કલાકે): પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે અત્યંત મહત્વના એવા ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (મધુર ડેરી) ના ચિલોડા-હિંમતનગર હાઇવે પર દશેલા ખાતે નવનિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા નવા અત્યાધુનિક પ્લાન્ટનું જાહેર કાર્યક્રમમાં લોકાર્પણ કરશે.
ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ પ્રજાલક્ષી કાર્યો જનતાને અર્પણ કરાશે
બપોર પછીના સત્રમાં કેન્દ્રીય મંત્રી સંપૂર્ણપણે ગાંધીનગર શહેરની આંતરમાળખાકીય અને આરોગ્ય સુવિધાઓના પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મૂકશે:
કાર્યક્રમ ૫ (બપોરે ૩:૦૦ કલાકે): ગાંધીનગરમાં પેથાપુર ખાતે સ્વર્ગ શ્લોક સોસાયટીની સામે, ટીપી ૧૬ માં મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પાણીની ટાંકી અને નર્મદા જળ વિતરણ પ્રણાલીનું ઉદ્ઘાટન કરશે, જેનાથી સ્થાનિકોને પીવાનું શુદ્ધ પાણી મળશે.
કાર્યક્રમ ૬ (બપોરે ૩:૧૫ કલાકે): ગાંધીનગરના કોલવડા ખાતે મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત કરવામાં આવેલા એસટીપી (STP) પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લેશે અને ત્યાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી થશે.
કાર્યક્રમ ૭ (બપોરે ૩:૩૫ કલાકે): સેક્ટર ૨૫ માં સહકાર કોલોની, ગાર્ડન પાસે નવનિર્મિત આધુનિક યોગ સ્ટુડિયો અને અદ્યતન પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરી નાગરિકોની સેવામાં મૂકશે.
કાર્યક્રમ ૮ (બપોરે ૩:૫૦ કલાકે): સેક્ટર ૨૨ માં મુખ્ય શોપિંગ સેન્ટર ખાતે નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત કરાયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે.
સાંજે ટાઉન હોલ ખાતે શિલાન્યાસ સાથે સમાપન:
કાર્યક્રમ ૯ (સાંજે ૪:૦૦ કલાકે): પ્રવાસના અંતિમ ચરણમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરના સેક્ટર ૧૭ માં આવેલા ટાઉન હોલ ખાતે ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ એક ભવ્ય જાહેર કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ આગામી વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન અને નવા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ સમારોહને દીપાવશે. આ તમામ કાર્યક્રમોનું bjpgujarat.org તેમજ ભાજપના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
