તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બોર્ડર સિક્યોરિટી, સાયબર ક્રાઇમ અને આતંકવાદ નિયંત્રણ જેવા મહત્વના મુદ્દાઓ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ : ૨૦૨૯ સુધીમાં ‘નશામુક્ત ભારત’ નો ધ્યેય પાર પાડવા કડક એક્શન પ્લાન બનાવવા કેન્દ્રીય ગૃહમંત્રીની તાકીદ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદ ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યની કાયદો અને વ્યવસ્થા, નાગરિક સુરક્ષા તથા વિવિધ સંવેદનશીલ સુરક્ષા બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રાજ્યના ગૃહ વિભાગ તેમજ તમામ વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
સુરક્ષા અને કાયદાકીય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા:
આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો-વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર-રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, CAA, ૨૦૨૭ની વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ મેનેજમેન્ટ અને સ્પેશિયલ કોર્ટ વિષયક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરીને કેન્દ્રીય ગૃહમંત્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, લવ જેહાદ, આર્થિક અપરાધ, સીમાવર્તી જિલ્લાઓની સ્થિતિ અને ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા અંગે રાજ્ય સરકારને જરૂરી સૂચનો અને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
તપાસ પ્રક્રિયા અને ન્યાયતંત્ર મજબૂતીકરણ:
બેઠકમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની સ્થિતિ, પોક્સો કેસ, NDPS, ICJS/CCTNS, ઈ-સાક્ષ્ય એપ્લિકેશન, ઈ-સમન્સ, MedLEaPR સિસ્ટમ, મોડલ જેલ અધિનિયમ, મોબાઈલ ફોરેન્સિક વેન અને ITSSO સંબંધિત કામગીરીનું આકલન કરવામાં આવ્યું હતું. તે જ રીતે ન્યાયતંત્રમાં ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ, સાંધ્ય અદાલતો, ન્યાયાલયમાં નવી ભરતીઓ, પબ્લિક પ્રોસિક્યુટર્સની સંખ્યા વધારવા અને તકનીકી પુરાવાઓ પર ભાર મૂકીને ઝડપી કાર્યવાહી કરવા બાબતે ચર્ચા થઈ હતી.
સાયબર સિક્યોરિટી, આતંકવાદ વિરોધી કામગીરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ:
સાયબર ગુનાઓને નાથવા માટે S4C, ૧૯૩૦ હેલ્પલાઇન, સાયબર કમાન્ડો અને સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એનાલિટિકલ રિપોઝિટરીની સ્થિતિ ચર્ચાઈ હતી. આતંકવાદ નિયંત્રણ માટે મોડલ ATS સંરચના, UA(P)A સેલ, વિદેશી નાગરિકોના રોકાણના આંકડા (CAA ડેટા), પ્રત્યાર્પણ વ્યવસ્થાઓ અને PSARA પોર્ટલની સમીક્ષા કરાઈ હતી. સરહદી સુરક્ષા સંદર્ભે કોસ્ટલ સિક્યોરિટી, વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, SDRF અને SDMF ની સ્થિતિ, અમદાવાદ શહેરી પૂર નિવારણ યોજનાઓ, શત્રુ સંપત્તિ અને આર્મ્સ લાઈસન્સ અંગે હકારાત્મક સુધારા માટે મંથન થયું હતું.
વરિષ્ઠ અધિકારીઓનું પ્રેઝન્ટેશન:
રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે અગાઉની બેઠકોના અમલીકરણ અને બોર્ડર મેનેજમેન્ટની કામગીરીથી માહિતગાર કર્યા હતા. ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમારે છેલ્લા ત્રણ વર્ષના બજેટ ખર્ચ, પ્રોસિક્યુશન ભરતીઓ, આપદા વ્યવસ્થાપન, વસ્તી ગણતરી ૨૦૨૭ અને ફોરેન્સિક સાયન્સ પ્રકલ્પોની માહિતી પૂરી પાડી હતી. જ્યારે પોલીસ મહાનિદેશક જી. એસ. મલિકે ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ, કોસ્ટલ ડિમોલિશન, ઓપરેશન મ્યુલ હન્ટ, ડિજિટલ એરેસ્ટ નાથવા, ૧૧૨ જનરક્ષક સેવા, મિશન પ્રબોધ અને સાયબર સ્લેવરી વિરુદ્ધ હાથ ધરાયેલા ઓપરેશન્સની વિગતો રજૂ કરી હતી.
૨૦૨૯ સુધીમાં 'નશામુક્ત ભારત' બનાવવા આહ્વાન:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વર્ષ ૨૦૨૯ સુધીમાં ‘નશામુક્ત ભારત’ નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે રાજ્યમાં નાર્કોટિક્સ અને નશીલા પદાર્થોના દૂષણ સામે કડક હાથે કામ લેવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. તેમણે આ માટે આકરો એક્શન પ્લાન તૈયાર કરવા, ૧૯૩૩ કંટ્રોલ રૂમનો વ્યાપ વધારવા, તમામ એજન્સીઓ દ્વારા સઘન ડ્રાઇવ ચલાવવા અને સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવાની આવશ્યકતા પર ખાસ ભાર મૂક્યો હતો. બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ સહિત કેન્દ્ર અને રાજ્યના ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
