<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતમાં :સોલા ઉમિયાધામમાં હાઈટેક હોસ્ટેલનું લોકાર્પણ કરશે: લોખંડ વિના ભવ્ય મંદિરનું થશે નિર્માણ

ગૃહમંત્રી ઉમિયાધામ ખાતે નિર્માણ પામનારા ભવ્ય મંદિરના પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે:સોલા ખાતે આશરે ₹67 કરોડના ખર્ચે માં ઉમિયાના ભવ્ય મંદિરનું નિર્માણ:રાજસ્થાનના પ્રખ્યાત બંસીપહાડપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ

અમદાવાદ :કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી 28 મેના રોજ પોતાના વતન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તાર ગાંધીનગર સંસદીય ક્ષેત્ર હેઠળ આવતા વિવિધ લોકકલ્યાણના કાર્યક્રમોમાં વિશેષ હાજરી આપશે. ગૃહમંત્રીના આ પ્રવાસને લઈને સ્થાનિક વહીવટીતંત્ર અને સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમના આ પ્રવાસ દરમિયાન શિક્ષણ અને ધાર્મિક ક્ષેત્રે ગુજરાતને મોટી ભેટ મળવા જઈ રહી છે.

અમિતભાઈ શાહના આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ સોલા ખાતે આવેલા શ્રી ઉમિયાધામ પરિસરમાં નવનિર્મિત હાઈટેક બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલનું ભવ્ય લોકાર્પણ છે. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશરે ₹104 કરોડના અધધ ખર્ચે આ અત્યાધુનિક હોસ્ટેલ ભવન તૈયાર કરવામાં આવ્યું છે. આ આધુનિક હોસ્ટેલમાં કુલ 400 રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં 1600 જેટલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે રહેવા તથા જમવાની ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ હોસ્ટેલ માત્ર રહેવા માટે જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના કરિયર બિલ્ડિંગ માટે પણ એક મહત્વનું કેન્દ્ર બનશે. અહીં ખાસ કરીને યુ.પી.એસ.સી. (UPSC) અને જી.પી.એસ.સી. (GPSC) જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ સંસ્થાકીય માર્ગદર્શન અને કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ લર્નિંગ માટે હાઈટેક ઈ-લાઈબ્રેરી (E-Library), શારીરિક ફિટનેસ માટે આધુનિક જીમ , હાઈસ્પીડ લિફ્ટ અને વિશાળ પાર્કિંગ સ્પેસ જેવી વૈશ્વિક કક્ષાની સગવડો ઉભી કરાઈ છે. આ લોકાર્પણ સાથે જ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એડમિશન પ્રક્રિયાનો પણ વિધિવત આરંભ કરાશે.

આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી ઉમિયાધામ ખાતે નિર્માણ પામનારા ભવ્ય મંદિરના પ્રોજેક્ટની પણ સમીક્ષા કરશે. સોલા ખાતે આશરે ₹67 કરોડના ખર્ચે માં ઉમિયાના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે તેમાં અયોધ્યાના રામ મંદિરની જેમ જ રાજસ્થાનના પ્રખ્યાત બંસીપહાડપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મંદિરનું માળખું પરંપરાગત સ્થાપત્ય શૈલી મુજબ લોખંડના એક પણ ટુકડાના ઉપયોગ વિના (વિધાઉટ આયર્ન) માત્ર પથ્થરોના આંતરિક જોડાણથી જ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે સેંકડો વર્ષો સુધી અડીખમ રહેશે.

(6:43 PM IST)