News of Thursday, 22nd October 2026
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિવેદનથી પંજાબના રાજકારણમાં ગરમાવો: ભાજપ અને શિરોમણી અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થવાની અટકળો જોરશોરથી શરૂ
વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ અને અકાલી દળ વચ્ચે નવેસરથી જોડાણના સંકેતો; દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન અમિતભાઈ શાહે પંજાબમાં એનડીએ (NDA) સરકાર બનવાનો કર્યો દાવો.

ચંદીગઢ : પંજાબના રાજકારણમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકીય સમીકરણો બદલાતા નજરે પડી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનને કારણે શિરોમણી અકાલી દળ (SAD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે વર્ષો જૂનું ગઠબંધન ફરીથી પુનજીર્ત થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અમિતભાઈ શાહના આ નિવેદને પંજાબના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હીમાં યમુના નદીની સફાઈ અને પુનરુત્થાન માટેના રૂ. ૮,૯૪૧ કરોડના વિશાળ પ્રોજેક્ટ્સના લોકાર્પણ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે આગામી સમયમાં પંજાબમાં એનડીએ (NDA) ની સરકાર બનવા જઈ રહી છે. અગાઉ ભાજપ દ્વારા પંજાબમાં આગામી ચૂંટણી એકલા હાથે લડવાની રણનીતિ પર કામ થઈ રહ્યું હતું, પરંતુ અમિતભાઈ શાહના આ નિવેદનમાં 'એનડીએ' શબ્દના પ્રયોગથી રાજકીય નિષ્ણાતો એવું અનુમાન લગાવી રહ્યા છે કે શીત યુદ્ધ ભૂલીને અકાલી દળ અને ભાજપ ફરીથી એક થવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન દરમિયાન લાંબા સમયથી સાથી રહેલા અકાલી દળ અને ભાજપના સંબંધોમાં તિરાડ પડી હતી, જેના કારણે અકાલી દળે એનડીએ ગઠબંધનથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી બંને પક્ષોના શીર્ષ નેતૃત્વના સંકેતો અને તાજેતરના ઘટનાક્રમથી એવા એંધાણ મળી રહ્યા છે કે ૨૦૨૭ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા બંને પક્ષો ફરી એકસાથે આવીને રાજકીય મેદાનમાં ઉતરી શકે છે. સુખબીર સિંહ બાદલ અને હરસિમરત કૌર બાદલ તરફથી પણ અગાઉ ગઠબંધનને લઈને સકારાત્મક સંકેતો આપવામાં આવ્યા છે. ગૃહમંત્રીના આ નિવેદન બાદ પંજાબના રાજકારણમાં કયા નવા સમીકરણો રચાય છે તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ આ રાજકીય નિવેદન ચર્ચાના કેન્દ્રમાં છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
