<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને મળી જાનથી મારી નાખવાની સનસનાટીભરી ધમકી: આતંકવાદી હુમલાની ચેતવણી બાદ દિલ્હીથી પટના સુધી ખળભળાટ

ગૃહ મંત્રાલયે ઝીણવટભરી તપાસ હાથ ધરી : મંત્રીની સુરક્ષા સમીક્ષા કરીને કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તથા આષાદી પત્ર મોકલનાર સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી

નવી દિલ્હી :  કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને ટપાલ (પોસ્ટ) દ્વારા એક અત્યંત સનસનાટીભર્યો અને ભયજનક પત્ર મળ્યો છે, જેમાં તેમને ટૂંક સમયમાં કટ્ટર આતંકવાદીઓ દ્વારા જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપવામાં આવી છે. આ ધમકીભર્યો પત્ર સામે આવ્યા બાદ દેશના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચિરાગ પાસવાનની દિલ્હી સ્થિત ઓફિસે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક કેન્દ્રીય ગૃહ સચિવને લેખિતમાં સત્તાવાર જાણ કરી છે અને મંત્રીની સુરક્ષા સમીક્ષા કરીને કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તથા આષાદી પત્ર મોકલનાર સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે.

તપાસ એજન્સીઓ અને દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્ર ક્યાંથી પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેની પાછળ કયા સંગઠન કે વ્યક્તિનો હાથ છે તે શોધવા માટે ફોરેન્સિક અને ઈન્ટેલિજન્સ ટુકડીઓ સક્રિય થઈ ગઈ છે. પત્રના સ્ત્રોત સુધી પહોંચવા માટે પોસ્ટલ ડિપાર્ટમેન્ટના સીસીટીવી ફુટેજ અને સીલ-સ્ટેમ્પની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંત્રી પાસવાનની હાલની સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા હાથ ધરવામાં આવી છે અને તેમના સત્તાવાર નિવાસસ્થાન તેમજ પ્રવાસ દરમિયાન વધારાનું સુરક્ષા કવચ પૂરું પાડવાના નિર્દેશો આપવામાં આવ્યા છે, જેથી કોઈ અણબનાવ ન બને.

નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન છેલ્લા કેટલાક સમયથી અનુસૂચિત જાતિ અનામતમાં 'ક્રીમી લેયર' અને 'પેટા-વર્ગીકરણ'  ના અત્યંત સંવેદનશીલ મુદ્દે પોતાના સખત અને આક્રમક વલણને કારણે દેશભરમાં ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યા છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી અને તેમના પુત્ર સાથે થયેલા રાજકીય ઘર્ષણ વચ્ચે ચિરાગે નીડરતાથી સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ અનામતના લાભો મેળવ્યા પછી પણ પેટા-વર્ગીકરણની તરફેણ કરતું હોય તો તેણે નૈતિક ધોરણે પદ છોડવું જોઈએ. રાજકીય વિશ્લેષકો માને છે કે અનામત અને દલિત રાજકારણ અંગેના તેમના અણનમ અને સ્પષ્ટ વલણને કારણે જ તેમને રાજકીય અને વૈચારિક વિરોધીઓ તરફથી લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.

(6:36 PM IST)