તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 28th October 2026
મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની ઉમેદવારી : ઉત્તર પ્રદેશની યાદીમાં નામ ન હોવાથી ચાલી રહેલી રાજકીયઅટકળોનો આવ્યો અંત
ભૂતપૂર્વ રાજદ્વારી અને કેન્દ્રીય પેટ્રોલિયમ તથા આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીને ભાજપ દ્વારા ફરી રાજ્યસભાના મેદાનમાં ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની સંસદીય સફરને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે હરદીપ સિંહ પુરીને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અગાઉ ઉત્તર પ્રદેશના સભ્યોની યાદીમાં તેમનું નામ સામેલ ન હોવાને કારણે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે ભાજપે તેમને મધ્યપ્રદેશમાંથી ટિકિટ આપીને આ અનિશ્ચિતતાનો અંત આણ્યો છે.
હરદીપ સિંહ પુરીએ અગાઉ જાન્યુઆરી ૨૦૧૮માં ઉત્તર પ્રદેશમાંથી સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાના સભ્ય તરીકે પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે ગોવાજીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું સ્થાન લીધું હતું. તેમનો અગાઉનો કાર્યકાળ ૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ પૂર્ણ થવા જઈ રહ્યો હતો.
રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ ભારતીય વિદેશ સેવા (IFS) ના નિવૃત્ત રાજદ્વારી રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૩ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે પણ મહત્ત્વની જવાબદારી સંભાળી હતી. તેમણે વર્ષ ૨૦૧૯માં અમૃતસરથી લોકસભાની ચૂંટણી પણ લડી હતી, જોકે તેમાં કોંગ્રેસના ઉમેદવાર ગુરજીત સિંહ ઓજલા સામે લગભગ ૧ લાખ મતોથી તેમનો પરાજય થયો હતો.
વર્ષ ૨૦૧૮થી હરદીપ સિંહ પુરી નરેન્દ્ર મોદી સરકારમાં વરિષ્ઠ કેબિનેટ મંત્રી તરીકે સેવાઓ આપી રહ્યા છે. વેંકૈયા નાઈડુ ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તેમને આવાસ અને શહેરી બાબતોના મંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પછી તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી બન્યા હતા.
મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૨૧માં તેમને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી તેમજ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે મધ્યપ્રદેશથી રાજ્યસભાની ઉમેદવારી મળતાં સંસદમાં તેમનો રાજકીય પ્રવાસ આગળ ધપશે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
