<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

બિહારના ગયામાં કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી પર પથ્થરમારો : બોડીગાર્ડ ઘાયલ :બે શંકાસ્પદોની ધરપકડ

કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી જ્યારે સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલ ખાતે મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પરથી સંબોધન કરવા ઉભા થયા ત્યારે અચાનક તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો

બિહારના ગયા જિલ્લાના ખીજરાસરાય બ્લોકના સિસ્વર ગામમાં શુક્રવારે સાંજે આયોજિત એક શાળાના કાર્યક્રમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી જ્યારે સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલ ખાતે મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર હતા, ત્યારે અચાનક તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મંત્રી માંઝીનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ તેમની સુરક્ષામાં તૈનાત એક અંગરક્ષક ઘાયલ થયા હોવાના સમાચાર છે.

ઘટનાક્રમ મુજબ, શાળા મેનેજમેન્ટ દ્વારા સ્વાગત સમારોહ બાદ જ્યારે જીતન રામ માંઝી ભીડને સંબોધન કરવા માટે સ્ટેજ પર ઉભા થયા, ત્યારે જ સ્ટેજની બહારથી અજ્ઞાત વ્યક્તિએ પથ્થર ફેંક્યો હતો. પથ્થર ખૂબ જ ઝડપથી સ્ટેજ તરફ આવ્યો હતો. સદનસીબે મંત્રી મંત્રી માંઝી બચી ગયા હતા, પરંતુ તેમની સુરક્ષા માટે પાછળ ઉભેલા સુરક્ષાકર્મીને ઈજા પહોંચી હતી. આ ઘટનાને પગલે કાર્યક્રમના સ્થળે નાસભાગ મચી ગઈ હતી.

સ્થાનિક ખીજરાસરાય પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ઘટનાસ્થળેથી બે શંકાસ્પદોની અટકાયત કરી છે. પૂછપરછ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો પૂર્વયોજિત કાવતરું હતું કે પછી કોઈ વ્યક્તિગત રોષનું પરિણામ. સમગ્ર વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને આસપાસના લોકોના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે.

એક કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં થયેલો આ પથ્થરમારો સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ક્ષતિ દર્શાવે છે. આ ઘટનાને કારણે સ્થાનિક વહીવટીતંત્રની કાર્યક્ષમતા પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. તાજેતરના દિવસોમાં ગયા જિલ્લામાં વધતી જતી રાજકીય ગતિવિધિઓ અને વિવાદો વચ્ચે મંત્રી પર થયેલો આ હુમલો રાજકીય ગલિયારાઓમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

(11:34 PM IST)