તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ગુનામાં "નો રોડ, નો વોટ" ના નારા સાંભળીને ભડક્યા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા: કહ્યું, "મારી સાથે આવી ભાષામાં વાત ન કરો!"
સ્થાનિકોએ કાફલો રોકીને રસ્તાની ખરાબ હાલત સામે રોષ ઠાલવ્યો: વિવાદ બાદ મંત્રીએ ₹3 કરોડ મંજૂર કર્યા, તો કોંગ્રેસે ગણાવ્યો 'સત્તાનો ઘમંડ'

ગુના (મધ્યપ્રદેશ) : મધ્યપ્રદેશના ગુના જિલ્લામાંથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. ગુનાની મુલાકાત દરમિયાન જર્જરિત રસ્તાઓ અને વિકાસના કામોને લઈને સ્થાનિક રહેવાસીઓએ કેન્દ્રીય મંત્રીનો કાફલો રોકી દીધો હતો. આ દરમિયાન એક નાગરિકે આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરવાની ચીમકી આપતા "નો રોડ, નો વોટ" ના નારા લગાવ્યા હતા, જેને લઈને સિંધિયા ગુસ્સે ભરાયા હતા અને તે વ્યક્તિને કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી.
ઘટનાની વિગત મુજબ, ગુનાના સ્થાનિક લોકો લાંબા સમયથી ખરાબ રસ્તાઓની સમસ્યાથી ત્રસ્ત હતા. મંત્રીનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે જનતાએ રસ્તાની માંગણી સાથે તેમને ઘેરી લીધા હતા. એક વ્યક્તિએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે જો સમયસર રસ્તો નહીં બને તો જનતા વોટ નહીં આપે. આ સાંભળીને લાલઘૂમ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તે વ્યક્તિને અટકાવતા કહ્યું હતું કે, "મારી સામે આવી ભાષાનો ઉપયોગ ન કરો. તમે આવીને વિનંતી કરો, કામ પૂરું કરવાની જવાબદારી મારી છે."
કોંગ્રેસે સાધ્યું નિશાન, બાદમાં મંત્રીએ કરી ૩ કરોડ રૂપિયાની મંજૂરી
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ભાજપ અને મંત્રી સિંધિયા પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું હતું કે, "સત્તાનો ઘમંડ જુઓ, જનતાએ રસ્તો માંગતા જ રાજાજી ગુસ્સે થઈ ગયા. જનતા ટૂંક સમયમાં જ આ ઘમંડનો જવાબ આપશે." અગાઉ પણ સિંધિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે કલેક્ટરને બોલાવીને અધિકારીઓને જનતા વચ્ચે રહેવાની ટકોર કરી હતી.
દરમિયાન, વિવાદ વધ્યા બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાત્કાલિક અસરથી મોટું પગલું ભરતા ગુનામાં રોડના બાંધકામ માટે ₹3 કરોડ મંજૂર કરી દીધા છે. આ રકમ સ્થાનિક ધારાસભ્ય પન્નાલાલ શાક્યના ભંડોળમાંથી ફાળવવામાં આવી છે. આ સાથે જ તેમણે જિલ્લા કલેક્ટરને ચોમાસાની ઋતુ પૂર્ણ થતાની સાથે જ યુદ્ધના ધોરણે રસ્તાનું કામ શરૂ કરવા કડક નિર્દેશો પણ આપ્યા છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
