News of Thursday, 25th June 2026
ગોવાના આંગણે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની મોટી જાહેરાત: લઘુમતી સમુદાયો, મહિલાઓ અને યુવાનોના આર્થિક સશક્તિકરણ માટે દસ્તાવેજી પ્રક્રિયાઓ થશે સરળ; સ્થાનિક કારીગરોને મળશે નવું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ
દક્ષિણ ગોવામાં NMDFC લાભાર્થીઓ સાથે સીધો સંવાદ, માછીમારો અને ઓર્ગેનિક બિઝનેસ સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકોની ચિંતાઓ દૂર કરવા નીતિગત સુધારાની ખાતરી; સોશિયલ મીડિયા પર ફેલાતા ફેક ન્યૂઝ સામે લડવા આહવાન

પણજી : લઘુમતી સમુદાયોના સર્વાંગી વિકાસ અને આર્થિક સશક્તિકરણને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર હવે પાયાના સ્તરે સક્રિય બની છે. આ કડીમાં કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે દક્ષિણ ગોવાની મુલાકાત લીધી હતી. અહીં આયોજિત એક વિશેષ આઉટરીચ કાર્યક્રમ દરમિયાન તેમણે રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણાં નિગમ (NMDFC) ની વિવિધ યોજનાઓનો લાભ મેળવનારા લાભાર્થીઓ સાથે સીધો અને આત્મીય સંવાદ સાધ્યો હતો. સભાને સંબોધતા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર કોઈ પણ ભેદભાવ વિના, લઘુમતી સમુદાયોની જરૂરિયાત આધારિત યોજનાઓ દ્વારા મહિલાઓ અને યુવાનોના કૌશલ્ય વિકાસ તેમજ નાણાકીય સમાવેશ (ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન) માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
ભંડોળના ઓછા વપરાશ અંગે મંત્રીએ વ્યક્ત કરી ચિંતા
ગોવાના આર્થિક પાસાઓ પર પ્રકાશ પાડતા કિરેન રિજિજુએ જણાવ્યું કે, પ્રવાસન (ટૂરિઝમ), હોસ્પિટાલિટી, માછીમારી અને ખાણકામ પ્રવૃત્તિઓના કારણે રાજ્યમાં માથાદીઠ આવક (Per Capita Income) ઘણી ઊંચી છે. જોકે, તેમણે એક મહત્વની ચિંતા વ્યક્ત કરતા નોંધ્યું કે, રાજ્યમાં લઘુમતી કલ્યાણ માટે ફાળવવામાં આવતા સરકારી ભંડોળનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી. આ સ્થિતિને બદલવા માટે તેમણે મહિલાઓ અને યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા (આંત્રપ્રિન્યોરશિપ) ને પ્રોત્સાહન આપવા વધુ અસરકારક આયોજનો કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયાના વર્તમાન યુગમાં દેશની સંવાદિતાને નુકસાન પહોંચાડતા ખોટા સમાચારો (ફેક ન્યૂઝ) અને ભ્રામક માહિતીઓનો સામનો કરવા માટે જનતાને સામૂહિક પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.
લાભાર્થીઓની સમસ્યાઓ સાંભળી, ઓન-ધ-સ્પોટ નીતિગત સુધારાની ખાતરી
આ અનોખા કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ મંત્રી સમક્ષ મુક્તમને પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. સ્થાનિક લોકોએ વ્યવસાય વધારવા માટે મળતી અપૂરતી લોન, બેંક લોનમાં ગેરન્ટર (જામીનદાર) શોધવામાં પડતી અડચણો અને સરકારી લોનની જટિલ તેમજ બોજારૂપ દસ્તાવેજીકરણ પ્રક્રિયાઓ જેવા સળગતા મુદ્દાઓ મંત્રી સમક્ષ મૂક્યા હતા. ખાસ કરીને માછીમારી ક્ષેત્રના પ્રતિનિધિઓએ આર્થિક સહાય વધારવા અને ઓર્ગેનિક વ્યવસાય કરતા નાના ઉદ્યોગસાહસિકોએ ક્રેડિટ (ધિરાણ) ની પ્રક્રિયા સરળ બનાવવાની માગ કરી હતી. કિરેન રિજિજુએ તમામની રજૂઆતો શાંતિપૂર્વક સાંભળીને ખાતરી આપી હતી કે, આ તમામ ચિંતાઓને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં યોગ્ય નીતિગત સુધારા કરવામાં આવશે.
ગોવાના કારીગરો માટે ટૂંક સમયમાં યોજાશે મોટા પ્રદર્શનો
સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય મંત્રીએ ગોવાના સ્થાનિક કારીગરો અને વણકરો માટે એક ખુશખબર આપ્યા હતા. તેમણે જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર ગોવાના સ્થાનિક કલાકારોને નવી ભંડોળની તકો અને મોટા માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરા પાડવા માટે રાજ્યમાં ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરના વિશેષ કાર્યક્રમો અને પ્રદર્શનોનું આયોજન કરશે. આ પગલાથી ગોવાના હસ્તકલા ઉદ્યોગને વૈશ્વિક ઓળખ મળશે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
