તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
બર્લિન ગ્લોબલ ડાયલોગમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો યુરોપ અને વિકસિત દેશો પર આકરો પ્રહાર: આબોહવા પરિવર્તનના સંકટ માટે ભારત જેવા વિકાસશીલ દેશોને જવાબદાર ઠેરવવાનો કર્યો સખત વિરોધ
વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં ભારતની માત્ર ૩ ટકા જેટલી જ ભાગીદારી હોવાના આંકડા રજૂ કરતા ગોયલે જણાવ્યું કે ઐતિહાસિક રીતે ગ્રીનહાઉસ ગેસ ફેલાવનારા વિકસિત રાષ્ટ્રોએ જ આ સમસ્યા ઊભી કરી છે.

બર્લિન, તા.૨૩: જર્મનીના બર્લિન ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત 'બર્લિન ગ્લોબલ ડાયલોગ ૨૦૨૬' મંચ પરથી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે યુરોપ અને અન્ય વિકસિત દેશોને આબોહવા પરિવર્તન (Climate Change) ના મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં અરીસો બતાવ્યો છે. સંમેલન દરમિયાન એક સત્રમાં બોલતા પીયૂષ ગોયલે વૈશ્વિક આબોહવા સંકટ માટે ઐતિહાસિક રીતે વિકસિત દેશોને સીધા જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત જેવા વિકાસશીલ દેશો, જેઓ પર્યાવરણની રક્ષા માટે પ્રતિબદ્ધ છે, તેમને આ કટોકટી માટે દોષી ઠેરવવારા વલણને ક્યારેય સ્વીકારી શકાય નહીં.
જ્યારે ચર્ચા દરમિયાન અન્ય એક પેનલિસ્ટે એવો દાવો રજૂ કર્યો હતો કે આબોહવા સંકટ માટે આખી દુનિયાના તમામ દેશો સરખા જવાબદાર છે, ત્યારે પીયૂષ ગોયલે આ દા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. પોતાની વાતને મજબૂત કરવા માટે તેમણે સચોટ આંકડા રજૂ કરતા જણાવ્યું કે ભારત વિશ્વની કુલ વસ્તીના આશરે ૧૭ ટકા હિસ્સો ધરાવે છે, છતાં વૈશ્વિક સ્તરે થતા કુલ કાર્બન ઉત્સર્જનમાં ભારતનો ફાળો ૩ ટકા કરતા પણ ઓછો છે. આ આંકડાઓ ટાંકીને તેમણે સાબિત કર્યું કે વાતાવરણને બગાડવામાં અસલી ભૂમિકા કોની રહી છે.
મંત્રીએ સ્પષ્ટતા કરી કે વિકસિત દેશો દ્વારા વર્ષોથી કરવામાં આવેલા બેફામ ઔદ્યોગિક ઉત્સર્જનને કારણે આજની આબોહવાકીય કટોકટી સર્જાઈ છે. ભારત અને અન્ય વિકાસશીલ રાષ્ટ્રો તો માત્ર પોતાની આર્થિક જરૂરિયાતો અને ગરીબી નિવારણ માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે તેમના પર પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂકવો તદન અન્યાયી છે. વિકાસશીલ દેશોને નીતિગત નિર્ણયોમાં દોષી ઠેરવવાના પશ્ચિમી દેશોના પ્રયાસો સામે ગોયલનું આ આક્રમક વલણ વૈશ્વિક મંચ પર ભારતનો પક્ષ મજબૂતાઈથી રજૂ કરનારું સાબિત થયું છે.
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતના આ પક્ષે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને પર્યાવરણ ન્યાય (Climate Justice) ના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવ્યો છે. આ સંમેલને સાબિત કરી દીધું છે કે ભવિષ્યની આબોહવા નીતિઓ ઘડતી વખતે વિકસિત દેશોએ પોતાની ઐતિહાસિક જવાબદારી સ્વીકારવી જ પડશે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
