<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બ્રહ્મપુર–સુરત (ઉધના) અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી રવાના કરી

લાંબા સમયથી આ ટ્રેનને રોજ ચલાવવાની માંગણી બાદ હવે આ સેવા શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચેની મુસાફરી વધુ સરળ, સુલભ બની જશે.

ઓડિશા અને ગુજરાત વચ્ચેના રેલ સંપર્કને નવી મજબૂતી આપતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બ્રહ્મપુર–સુરત (ઉધના) અમૃત ભારત એક્સપ્રેસને દૈનિક સેવા તરીકે લીલી ઝંડી આપી રવાના કરી છે. લાંબા સમયથી આ ટ્રેનને રોજ ચલાવવાની માંગણી કરવામાં આવી રહી હતી. હવે આ સેવા શરૂ થવાથી બંને રાજ્યો વચ્ચેની મુસાફરી વધુ સરળ, સુલભ બની જશે.

રેલ મંત્રીએ જણાવ્યું હતું કે આ સેવા બ્રહ્મપુરના લોકો સાથે કરવામાં આવેલું એક મહત્વનું વચન પૂરું કરે છે. અગાઉ મર્યાદિત દિવસોમાં ચાલતી આ ટ્રેન હવે દરરોજ દોડશે, જેનાથી મુસાફરોને નિયમિત અને સુવિધાજનક રેલ સેવા મળશે. ખાસ કરીને ગુજરાતમાં કામ કરતા પ્રવાસી શ્રમિકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પરિવારોને તેનો મોટો લાભ મળશે.

તેમણે કહ્યું કે ઓડિશા અને ગુજરાત વચ્ચે મોટી સંખ્યામાં લોકો રોજગાર, શિક્ષણ અને વેપાર માટે મુસાફરી કરે છે. આમ, દૈનિક અમૃત ભારત એક્સપ્રેસ તેમના સમય અને ખર્ચ બંનેની બચત કરશે. આ ટ્રેન આધુનિક સુવિધાઓ સાથે સામાન્ય મુસાફરોને કિફાયતી મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની દિશામાં રેલવેની એક મહત્વપૂર્ણ પહેલ છે.

આ અવસરે અશ્વિની વૈષ્ણવે બ્રહ્મપુર રેલવે સ્ટેશનના વ્યાપક પુનર્વિકાસની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે અંદાજે 300 કરોડ રૂપિયાના ખર્ચે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્વરૂપ આપવામાં આવશે. પુનર્વિકાસ બાદ સ્ટેશન પર આધુનિક મુસાફરી સુવિધાઓ, ઉત્તમ પ્રતિક્ષાલય, આધુનિક પ્લેટફોર્મ, પ્રવેશ અને નિકાસની સુધારેલી વ્યવસ્થા, દિવ્યાંગજન અનુકૂળ સુવિધાઓ, આધુનિક સૂચના પ્રણાલી અને આકર્ષક સ્ટેશન પરિસર વિકસાવવામાં આવશે.

રેલ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભારતીય રેલવે માત્ર નવી ટ્રેનો શરૂ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ મુસાફરોને આધુનિક અને આરામદાયક અનુભવ આપવા માટે દેશભરમાં રેલવે સ્ટેશનોનું ઝડપથી આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. બ્રહ્મપુર સ્ટેશનનો વિકાસ પણ આ વ્યાપક યોજનાનો જ એક ભાગ છે.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં દેશના દરેક ક્ષેત્ર સુધી બહેતર અને સસ્તી રેલ કનેક્ટિવિટી પહોંચાડવા માટે સતત કાર્યરત છે. અમૃત ભારત જેવી ટ્રેનોનો વિસ્તાર અને સ્ટેશનોનું આધુનિકીકરણ એ રેલવેના પરિવર્તનકારી અભિયાનનો મહત્વનો ભાગ છે.

બ્રહ્મપુર–સુરત (ઉધના) અમૃત ભારત એક્સપ્રેસની દૈનિક શરૂઆતથી માત્ર મુસાફરોને જ રાહત નહીં મળે, પરંતુ ઓડિશા અને ગુજરાત વચ્ચેના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પણ વધુ મજબૂત થશે. સાથે જ, બ્રહ્મપુર રેલવે સ્ટેશનનો વિશ્વસ્તરીય વિકાસ આ વિસ્તારના માળખાગત સુવિધાઓને નવી ઓળખ આપશે અને ભવિષ્યની વધતી જતી મુસાફરોની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પહેલ સરકારની જન-પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા, કિફાયતી રેલ સેવાઓના વિસ્તાર અને મુસાફર-કેન્દ્રિત આધુનિક રેલવે નેટવર્ક વિકસાવવાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

(11:00 PM IST)