તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાના મેદાન પર વિજયાદશમીની અનોખી ઉજવણી: અભિનેત્રી યામી ગૌતમ દશેરા પર કરશે રાવણ દહન, ગુંજશે નારી શક્તિનો પ્રબળ સંદેશ
'મહિલા સન્માન' ની વિશેષ થીમ હેઠળ યોજાનારી લવ કુશ રામલીલામાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી છોડશે તીર; બોલિવૂડના દિગ્ગજોની પરંપરાને આગળ વધારશે યામી

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ વર્ષે દશેરાનો તહેવાર અત્યંત ઐતિહાસિક અને પ્રેરણાદાયી બનવા જઈ રહ્યો છે. દિલ્હીના પ્રખ્યાત અને ભવ્ય 'લવ કુશ રામલીલા' ના મંચ પરથી આ વર્ષે વિજયાદશમીના પાવન અવસરે નારી શક્તિ અને મહિલા સશક્તિકરણનો એક શક્તિશાળી સંદેશ દેશભરમાં ગુંજશે. લોકપ્રિય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ આવતીકાલે, એટલે કે ૨૦ ઓક્ટોબરે લાલ કિલ્લાના મેદાનમાં અસત્ય અને દુષ્ટતાના પ્રતીક સમાન રાણવના પુતળાનું દહન કરશે.
મળતી માહિતી મુજબ, લવ કુશ રામલીલા સમિતિએ આ વર્ષે 'મહિલાઓનું સન્માન' ને પોતાની મુખ્ય થીમ બનાવી છે. સમિતિના પ્રમુખ અર્જુન કુમારે જણાવ્યું હતું કે સ્ત્રીઓ માત્ર પ્રેમ અને કરુણાનું પ્રતિક નથી, પરંતુ સમાજમાં વ્યાપ્ત અન્યાય અને અહંકાર સામે લડવાની પ્રચંડ હિંમત પણ ધરાવે છે. આ વિચારને સાર્થક કરવા માટે જ યામી ગૌતમને રાવણ વધ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે યામીની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'નયી નવેલી' માં પણ તેને રાવણનો વધ કરતી દર્શાવવામાં આવી હતી, અને હવે તે વાસ્તવિક જીવનમાં પણ હજારો દર્શકોની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક પરંપરા નિભાવશે.
અગાઉ આ પ્રતિષ્ઠિત મંચ પર અક્ષય કુમાર, અજય દેવગન, જોન અબ્રાહમ, પ્રભાસ, કરીના કપૂર અને રોહિત શેટ્ટી જેવા દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ રાવણ દહન કરી ચૂક્યા છે, અને હવે આ યાદીમાં યામી ગૌતમનું નામ પણ જોડાઈ ગયું છે. લાલ કિલ્લાના મેદાન પર જ્યારે યામી અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક એવું તીર છોડશે, ત્યારે તે માત્ર એક તહેવારની ઉજવણી નહીં પરંતુ દેશની નારી શક્તિ, સાહસ અને સ્વમાનનો એક અત્યંત સકારાત્મક સંદેશ આપશે. સમિતિ દ્વારા દિલ્હીની જનતાને આ ભવ્ય અવસરનો હિસ્સો બનવા માટે હાર્દિક અપીલ કરવામાં આવી છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
