તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
સરપંચની ચૂંટણીનો અનોખો મુકાબલોઃ ચાર વાર મતગણતરી થઈ છતાં બંને ઉમેદવારોને સરખા વોટ નીકળ્યા
આખરે ચૂંટણી અધિકારીએ લોટરી એટલે કે ચિઠ્ઠી દ્વારા સરપંચનો નિર્ણય કર્યો

બાડમેરઃ તા.૬: રાજસ્થાનની પંચાયત ચૂંટણીમાં એક એવી ટક્કર જોવા મળી, જ્યાં જીત અને હારનો ફેસલો ન વોટના અંતરથી થયો કે ન તો ફરી વાર ગણતરીથી. અહીં ચાર વાર મતગણતરી થઈ, પણ દરેક વખતે પરિણામ એક જેવા જ રહ્યા. બંને મહિલા ઉમેદવારોને ૬૧૪-૬૧૪ વોટ મળ્યા. આખરે ચૂંટણી અધિકારીએ લોટરી એટલે કે ચિઠ્ઠી દ્વારા સરપંચનો નિર્ણય કર્યો. નસીબે પૂનમ કુમારીનો સાથ આપ્યો અને તેઓ સરપંચ બની ગયા.
વળી મહદૂ દેવીને બરાબર વોટ મળવા છતાં હારનો સામનો કરવો પડ્યો. આ રોચક ટક્કર બાડમેરના ગ્રામીણ પંચાયત સમિતિની ગાલાબેરી ગ્રામ પંચાયતમાં થઈ. ચૂંટણી પરિણામ સામે આવતા જ ગામમાં આ અનોખી ટક્કરની ચર્ચા શરૂ થઈ ગઈ. લોકો માટે આ કોઈ નવાઈથી કમ નહોતું કે ચાર વાર ગણતરી કરવા છતાં બંને ઉમેદવારોને વોટ બરાબર જ મળ્યા.
ગાલાબેરી ગ્રામ પંચાયત સરપંચ પદ મહિલા માટે અનામત હતું. અહીં મહદૂ દેવી પત્ની અચલારામ અને પૂનમ કુમારી પત્ની દુર્ગેશ કુમાર ચૂંટણી મેદાનમાં હતા. બંને ઉમેદવારોએ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત લગાવી હતી. મતદાન બાદ જ્યારે મતગણતરી શરૂ થઈ તો બંને પરિણામ સરખા નીકળ્યા. બંને ઉમેદવારોને ૬૧૪-૬૧૪ વોટ મળ્યા હતા. આ ઉપરાંત ૩ વોટ નોટાના ખાતામાં ગયા, જ્યારે ૨૨ વોટ રિજેક્ટ થઈ ગયા. બરાબર વોટ મળ્યા બાદ પહેલી મતગણતરીમાં કોઈ ભૂલની આશંકા દૂર કરવા માટે ફરી વાર ગણતરી હાથ ધરી. પણ પરિણામ બદલાયું નહીં. ત્યાર બાદ એક પછી એક કુલ ચાર વાર કાઉન્ટિંગ થઈ. દરેક વખતે મહદૂ દેવી અને પૂનમ કુમારીના વોટની સંખ્યા ૬૧૪-૬૧૪ જ રહી. ચાર વારની ગણતરી બાદ જ્યારે ટાઈ ન તૂટી તો ચૂંટણી અધિકારીઓએ નિયમ અનુસાર, લોટરી દ્વારા પરિણામ ઘોષિત કરવાનો નિર્ણય લીધો.
ગાલાબેરી ગ્રામ પંચાયતમાં કુલ ૧૩૫૯ મતદાતા હતા. તેમાંથી ૧૨૫૩ મતદારોએ મતદાન કર્યું હતું. આમ આવી રીતે અહીં ૯૦.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. કુલ પડેલા મતોમાંથી ૨૨ વોટ રદ થયા, ૩ નોટાના વોટ નીકળ્યા. બાકી રહેલા મત બંને ઉમેદવારોને બરાબર બરાબર ભાગમાં મળ્યા.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
