<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

આકાશમાં રચાયું અનોખું 'સ્કાયરાઇટિંગ': ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન પાઇલટ કંટાળી ગયો, તો હવામાં પ્લેન ઉડાવીને લખી નાખ્યું - "I am Bored!"

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ પર અદ્ભુત ફ્લાઇટ પાથ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર રમૂજની રેલમછેલ; ૨૦ મિનિટ સુધી હવામાં ચુસ્ત લૂપ્સ બનાવીને પાઇલટે બતાવી અદભુત ઉડાન કુશળતા

વેલ્સ બોર્ડર : નિયમિત કામગીરી દરમિયાન કંટાળો આવવો એ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે કોઈ એરલાઇન પાઇલટ કંટાળી જાય ત્યારે તે આકાશમાં પોતાનો કંટાળો કેવી રીતે વ્યક્ત કરે છે, તેનો એક ચોંકાવનારો અને રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ઇંગ્લેન્ડ-વેલ્સ બોર્ડર પર 'રેવેનએર' કંપનીના એક પાઇલટે નિયમિત ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન આકાશમાં પોતાના પ્લેનની મૂવમેન્ટ દ્વારા અંગ્રેજીમાં "I am Bored" (હું કંટાળી ગયો છું) લખી નાખ્યું હતું. આ અનોખો સંદેશ જ્યારે ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ 'Flightradar24' પર દેખાયો, ત્યારે તેનો ફ્લાઇટ પાથ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, રેવેનએરનું આ વિમાન શનિવારે સવારે લિવરપૂલથી રવાના થયું હતું અને ઉત્તર વેલ્સ સહિતના વિસ્તારો પર બે કલાકની સફર પર હતું. આ ફ્લાઇટ દરમિયાન પાઇલટે પાણીની ઉપર ચુસ્ત અને કોણીય લૂપ્સ બનાવીને આ સાત અક્ષરોના શબ્દસમૂહને આકાશમાં ટ્રેસ કરવા માટે લગભગ ૨૦ મિનિટનો સમય વિતાવ્યો હતો. ડેટા દર્શાવે છે કે આ સંદેશ અંદાજે ૩૩૫ મીટરની ઊંચાઈએ અને ૧૦૦ નોટથી ઓછી ઝડપે બનાવવામાં આવ્યો હતો.

સમારકામ પછીની ટેસ્ટ ફ્લાઇટ અને પાઇલટની કુશળતા

કંપનીના જણાવ્યા અનુસાર, ૨૦ની ઉંમરના આ ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર વિમાનના એન્જિનનો એક મહત્વપૂર્ણ સિલિન્ડર બદલ્યા બાદ 'પાઇપર ટોમાહોક' વિમાનમાં ટેસ્ટ ફ્લાઇટ કરી રહ્યા હતા. વિમાન સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે તેને હવામાં લાંબો સમય ઉડાડવું જરૂરી હતું.

કંપનીના ઓપરેશન્સ મેનેજર વેન બેરેટે આ બાબતે હસતા હસતા જણાવ્યું હતું કે, "પાઇલટ ખરેખર ટેસ્ટ ફ્લાઇટના કારણે થોડો કંટાળો અનુભવી રહ્યો હતો. પરંતુ જે રીતે તેણે આ અક્ષરો હવામાં કંડાર્યા છે, તે તેની અદભુત અને ઉચ્ચ કક્ષાની ઉડાન કુશળતા (Flying Skills) દર્શાવે છે."

પાઇલટ સામે કોઈ કાર્યવાહી નહીં થાય

સામાન્ય રીતે રૂટ બદલવા બદલ પાઇલટો સામે કડક પગલાં લેવાતા હોય છે, પરંતુ આ કિસ્સામાં મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું છે કે પાઇલટ સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં. મેનેજરે ઉમેર્યું કે, "તે કોઈ મુશ્કેલીમાં નથી, ઉલટાનું આ ઘટનાથી અમારી કંપનીને વૈશ્વિક સ્તરે ઘણી પ્રસિદ્ધિ મળી છે! હાલમાં વિમાન સુરક્ષિત રીતે હેંગરમાં પાછું આવી ગયું છે અને પાઇલટ પોતાની નિયમિત રજા પર છે."

આ ઘટના પર ટિપ્પણી કરતા એક પ્રખ્યાત ફ્લાઇટ-ટ્રેકિંગ બ્લોગરે ટિકટોક પર કહ્યું કે તેણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પાઇલટને આ રીતે આકાશમાં પોતાનો કંટાળો વ્યક્ત કરતા જોયો નથી. આ કિસ્સો સાબિત કરે છે કે ટેકનોલોજીના જમાનામાં પાઇલટની નાની અમથી મસ્તી પણ કઈ રીતે સેકન્ડોમાં વૈશ્વિક કૌતુક બની શકે છે.

(8:38 PM IST)