તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 24th September 2026
અનોખો ચુકાદો: ચેક બાઉન્સ કેસમાં તથ્યો છુપાવનાર કંપનીને દિલ્હી હાઇકોર્ટે રૂ. ૫૦ હજારનો દંડ માફ કરી બાર એસો.ના સ્ટાફને ચા-સમોસા ખવડાવવા આદેશ કર્યો!
વિવિધ અદાલતો સમક્ષ વિરોધાભાસી નિવેદનો આપી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર ઈન્ડસ બિરા બેવરેજીસ સામે ન્યાયમૂર્તિ સૌરભ બેનર્જીએ લાલ આંખ કરી: આદેશ રદ કરવાની અરજી ગ્રાહ્ય રાખી વકીલને વિચિત્ર શરતે રાહત આપી

નવી દિલ્હી: ચેક બાઉન્સના એક કેસમાં તથ્યો છુપાવીને અનુકૂળ આદેશો મેળવવાનો પ્રયાસ કરતી કંપની પ્રત્યે દિલ્હી હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જોકે, કોર્ટે કંપની પર અગાઉ લાદવામાં આવેલો રૂ. ૫૦,૦૦૦નો દંડ માફ કરતી વખતે એક અત્યંત અનોખો અને રસપ્રદ આદેશ જારી કરીને કંપનીના વકીલને દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશન (DHCBA) ના તમામ કર્મચારીઓ માટે ચા અને સમોસાની વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, 'ઈન્ડસ બિરા બેવરેજીસ' નામની કંપનીએ ગત ૧૭ ઓગસ્ટના રોજ ચેક બાઉન્સનો કેસ રદ કરાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સૌરભ બેનર્જીના ધ્યાન પર આવ્યું હતું કે અરજદાર કંપનીએ નીચલી કોર્ટ (ટ્રાયલ કોર્ટ)ના મહત્વના આદેશની માહિતી હાઈકોર્ટથી છુપાવી હતી, જેનાથી સમગ્ર કેસના પરિણામ પર સીધી અસર પડી રહી હતી.
વિવિધ અદાલતો સમક્ષ વિરોધાભાસી નિવેદનો આપીને અને તથ્યો છુપાવીને પોતાના પક્ષમાં આદેશ મેળવવાના આ કાનૂની દાવપેચ સામે કોર્ટે કડક વલણ અપનાવ્યું હતું. ૨૦ ઓગસ્ટના રોજ ન્યાયાધીશ સૌરભ બેનર્જીએ કંપનીના વર્તનને અસ્વીકાર્ય ગણાવી રૂ. ૫૦,૦૦૦નો ખર્ચ લાદ્યો હતો અને આ રકમ દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના 'વકીલ સામાજિક સુરક્ષા અને કલ્યાણ ભંડોળ'માં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.
ત્યારબાદ કંપની દ્વારા આ દંડ માફ કરવા માટે પુનઃ અરજી કરવામાં આવી હતી. ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સુનાવણીમાં કોર્ટે અરજીનો નિકાલ કરતા રૂ. ૫૦,૦૦૦નો દંડ તો માફ કર્યો હતો, પરંતુ કંપનીના અયોગ્ય વ્યવહારની નોંધ લઈને એક અઠવાડિયાની અંદર દિલ્હી હાઈકોર્ટ બાર એસોસિએશનના તમામ કર્મચારીઓને ચા અને સમોસા વહેંચવાની શરત મૂકી હતી.
દરમિયાન, અન્ય એક મહત્ત્વના કાનૂની ઘટનાક્રમમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે બુધવારે મોડી રાત્રે વિશેષ સુનાવણી હાથ ધરી હતી. પંજાબ સરકારે આરોપ લગાવ્યો હતો કે EDદ્વારા ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના વરિષ્ઠ અધિકારીઓને તેમની ઓફિસ પર ચાલી રહેલા દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
