<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ચીનમાં અનોખા લગ્ન : સગાંસંબંધીઓ ઓછા હોવાથી અજાણ્યાઓને આમંત્રણ આપ્યું, હજારો લોકોનો પ્રેમ વરસ્યો!

મહેમાનો ભેટસોગાદો લઈને ઉમટ્યા, રસોઈયાઓએ નિઃશુલ્ક સેવા આપી : વરરાજા માટે વૈભવી મેબેક કારની પણ વ્યવસ્થા

બેઇજિંગ : ચીનમાં એક યુવાનના લગ્નનો અનોખો પ્રસંગ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બાળપણથી પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરનારા ૨૪ વર્ષીય શૂ ચેંગહોંગે પોતાના લગ્નમાં મહેમાનોની સંખ્યા ઓછી રહેવાની ચિંતાથી ઇન્ટરનેટ પર અજાણ્યા લોકોને આમંત્રણ આપ્યું હતું.

 

ચીનના યુનાન પ્રાંતના યિલિયાંગ કાઉન્ટીના આ યુવાનના પિતાનું બાળપણમાં અવસાન થયું હતું. માતાએ પુનર્લગ્ન કર્યા બાદ તેનો ઉછેર મોટાભાગે પરિવારના અન્ય સભ્યો અને પડોશીઓની મદદથી થયો હતો.

 

આર્થિક મુશ્કેલીઓ છતાં મહેનત કરીને લગ્ન માટે નાણાં એકત્ર કરનાર યુવાનને આશા હતી કે થોડા લોકો તેના લગ્નમાં આવશે. પરંતુ સોશિયલ મીડિયા પર આમંત્રણ પ્રસિદ્ધ થતાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપવાની તૈયારી દર્શાવી.

 

મહેમાનો ખાદ્યસામગ્રી, ઘરવખરી અને ભેટસોગાદો લાવ્યા. રસોઈયાઓએ નિઃશુલ્ક સેવા આપી, જ્યારે કેટલાક લોકોએ લગ્ન માટે કારોની વ્યવસ્થા કરી. એક શુભેચ્છકે વૈભવી મેબેક કાર પણ ઉપલબ્ધ કરાવી.

 

ભીડને ધ્યાનમાં રાખીને લગ્નનું સ્થળ બદલવાની અને અન્ય વ્યવસ્થાઓ ગોઠવવાની જરૂર પડી હતી. અજાણ્યા લોકોની આ સહાયનો પ્રસંગ ચીન ઉપરાંત અન્ય દેશોમાં પણ ચર્ચાસ્પદ બન્યો છે.

(10:30 PM IST)