<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

પાકિસ્તાનમાં ફરી 'અજાણ્યા શખ્સો'નો કહેર, લશ્કર-એ-તૈયબાના સહ-સ્થાપક મૌલાના આમિર હમઝા પર લાહોરમાં અંધાધૂંધ ગોળીબાર

ટીવી કાર્યક્રમ પૂરો કરી ઘરે પરત ફરતી વખતે ઘાતક હુમલો, હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ ગંભીર રીતે ઘાયલ; ICUમાં જીવન-મરણ વચ્ચે ઝોલા, પાક સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડી

લાહોર, તા.16 : પાકિસ્તાનમાં ફરી એકવાર અજાણ્યા બંદૂકધારીઓએ આતંક મચાવ્યો છે. લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને હાફિઝ સઈદના રાઈટ હેન્ડ ગણાતા મૌલાના આમિર હમઝા પર લાહોરમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. ગુરુવારે (16 એપ્રિલ) જ્યારે તે એક ટીવી ચેનલનો કાર્યક્રમ પૂરો કરીને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે જ ઓચિંતો હુમલો કરીને અજ્ઞાત બંદૂકધારીઓએ તેની ગાડી પર ફાયરિંગ કર્યું હતું.

 

લાહોરના રસ્તા પર ન્યૂઝ ચેનલની ઓફિસની બહાર તેને ઘેરીને ગોળીઓ વરસાવવામાં આવી હતી. આ હુમલામાં આમિર હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે. હાલમાં લશ્કરના આ ફાઉન્ડરને હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક છે. હુમલાખોરોએ જે ચોકસાઈ અને વ્યૂહાત્મક કુશળતાથી આ કાર્યવાહીને અંજામ આપ્યો છે તેણે પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડાડી દીધી છે. હમઝાને પ્રતિક્રિયા આપવાની પણ કોઈ તક આપવામાં આવી ન હતી.

 

આમિર હમઝા કોઈ સામાન્ય આતંકવાદી નથી. તેને લશ્કર-એ-તૈયબા પાછળનો વ્યૂહાત્મક માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. તે શરૂઆતના વ્યક્તિઓમાંનો એક હતો જેમણે હાફિઝ સઈદ સાથે મળીને લશ્કરનો પાયો નાખ્યો હતો. તેને સંગઠનનો મુખ્ય વિચારધારક તરીકે ઓળખવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સે તેને ઓફિશિયલ રીતે 'ગ્લોબલ ટેરરિસ્ટ' તરીકે નિયુક્ત કર્યો છે.

 

આમિર હમઝાની ભૂમિકા ફક્ત બંદૂક ચલાવવા પૂરતી મર્યાદિત નહોતી. તે લશ્કર માટે ભંડોળ એકત્ર કરવામાં, નવા કાર્યકરોની ભરતી કરવામાં અને પકડાયેલા આતંકવાદીઓને છોડાવવા માટે વાતચીત કરવામાં નિષ્ણાંત હતો. તેણે લશ્કરના મેગેઝિનનું સંપાદન કર્યું અને જેહાદને પ્રોત્સાહન આપતા પુસ્તકો પણ લખ્યા. 2018 માં જ્યારે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું ત્યારે તેણે 'જૈશ-એ-મનકાફા' નામનું એક નવું મોરચો સંગઠન બનાવ્યું હતું.

 

પાકિસ્તાનમાં સતત આતંકીઓ પર થઈ રહેલા હુમલાઓથી ફરી એકવાર એવી અટકળોને વેગ મળ્યો છે કે પડોશી દેશમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવાની ઝુંબેશ તેના આગામી તબક્કામાં પહોંચી ગઈ છે.

 

(5:05 PM IST)