News of Friday, 15th May 2026
ઉન્નાવ બળાત્કાર કેસ : સુપ્રીમ કોર્ટનો કુલદીપ સિંહ સેંગરને મોટો ઝટકો : આજીવન કેદની સજા મોકૂફ રાખતો હાઈકોર્ટનો આદેશ રદ
ધારાસભ્ય એ જાહેર સેવક નથી તેવી હાઈકોર્ટની દલીલને સર્વોચ્ચ અદાલતે ફગાવી : બે મહિનામાં મુખ્ય અપીલ પર નિર્ણય લેવા આદેશ : પીડિતા અને તેના પરિવાર સાથે સુરક્ષા દળોના ગેરવર્તન બાદ કોર્ટની કડક કાર્યવાહી

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૭ના ચર્ચિત ઉન્નાવ સગીરા બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આપવામાં આવેલી વચગાળાની રાહત રદ કરીને મોટો આંચકો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી હાઈકોર્ટના એ આદેશને બાજુ પર રાખ્યો છે જેમાં સેંગરની આજીવન કેદની સજા મોકૂફ રાખવામાં આવી હતી અને તેને જામીન આપવામાં આવ્યા હતા. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું હતું કે, હાઈકોર્ટનું એ તારણ સ્વીકારી શકાય નહીં કે પોક્સો (POCSO) હેઠળ ધારાસભ્યને 'જાહેર સેવક' (Public Servant) ગણી શકાય નહીં.
હાઈકોર્ટની તકનીકી દલીલો સુપ્રીમ કોર્ટે નકારી:
અગાઉ દિલ્હી હાઈકોર્ટે અત્યંત વિવાદાસ્પદ આદેશમાં જણાવ્યું હતું કે સેંગર ધારાસભ્ય હોવાથી તેને નીચલી અદાલતે જાહેર સેવક ગણવો જોઈએ નહીં અને તેના પર પોક્સો કાયદો લાગુ પડવો જોઈએ નહીં. હાઈકોર્ટે એવો પણ તર્ક આપ્યો હતો કે સેંગર સાડા સાત વર્ષની જેલ ભોગવી ચૂક્યો છે જે કાયદા મુજબ ન્યૂનતમ સજા કરતા વધુ છે. જોકે, સુપ્રીમ કોર્ટે આ 'હાયપર-ટેકનિકલ' નિષ્કર્ષ સાથે અસંમતિ દર્શાવી છે અને હાઈકોર્ટને આગામી બે મહિનામાં આ કેસની મુખ્ય અપીલ પર આખરી નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.
પીડિતાના પરિવાર સાથે સુરક્ષા દળોનું શરમજનક વર્તન:
કુલદીપ સિંહ સેંગરની મુક્તિ બાદ દિલ્હીમાં પીડિતા અને તેની માતા સાથે કેન્દ્રીય સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગેરવર્તનને કારણે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. પીડિતા અને તેની માતા જ્યારે વિરોધ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ધાકધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો થયા હતા. એક આઘાતજનક ઘટનામાં પીડિતાની માતાને ચાલુ બસમાંથી નીચે ઉતરવા મજબૂર કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેના કારણે પરિવારમાં ભારે ભય ફેલાયો હતો.
ન્યાયની આશામાં પીડિતાની માતાની આર્તનાદ:
આ ઘટના બાદ ભાવુક થયેલી માતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેમને હજુ સુધી ન્યાય મળ્યો નથી અને તેમની દીકરીને એક પ્રકારે કેદમાં રાખવામાં આવી છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તેમની હત્યા કરવાનું ષડયંત્ર પણ હોઈ શકે છે. જોકે, સીઆરપીએફ (CRPF) ના અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ માત્ર પીડિતાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી રહ્યા હતા, પરંતુ માતા સાથે થયેલા ગેરવર્તન અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
કેસનો ભૂતકાળ અને શરતી જામીન:
ઉત્તર પ્રદેશની બાંગરમાઉ બેઠકનું પ્રતિનિધિત્વ કરનાર સેંગરને ૧૫ લાખના વ્યક્તિગત બોન્ડ અને પીડિતાથી પાંચ કિલોમીટર દૂર રહેવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના આ લેટેસ્ટ સ્ટેન્ડ બાદ હવે તેની મુશ્કેલીઓ વધી છે. ઉન્નાવ કેસમાં સત્તા અને અપરાધના ગઠબંધન સામે ચાલી રહેલી આ કાનૂની લડાઈમાં સુપ્રીમ કોર્ટનો આ આદેશ પીડિતાના પક્ષ માટે નૈતિક વિજય સમાન માનવામાં આવી રહ્યો છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
