તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં અભૂતપૂર્વ ક્ષણ: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની ઐતિહાસિક જાહેરાતથી મમતા બેનર્જીની TMC ના ધારાસભ્યો પણ દંગ, વિપક્ષે કહ્યું- 'આ લોકશાહીનો વિજય!'
ધારાસભ્યોની રજૂઆતો પર ૭ દિવસમાં એક્શન લેવા સીએમનો કડક આદેશ; ૨૧ જુલાઈના 'શહીદ દિવસ' પહેલાં ૧૯૯૩ના કુખ્યાત પોલીસ ગોળીબારનો તપાસ અહેવાલ જાહેર થતાં બંગાળમાં ભારે રાજકીય ગરમાવો

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં સોમવારે એક અણધારી અને અત્યંત મોટી ઘટના જોવા મળી છે. બંગાળ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ધારાસભ્યોના અધિકારો અને જનતાની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે એક એવી ક્રાંતિકારી જાહેરાત કરી, જેનાથી શાસક પક્ષ અને વિપક્ષ બંને ચોંકી ગયા હતા. મુખ્યમંત્રીના આ લોકહિતના નિર્ણયની ગૃહમાં ખુલ્લેઆમ પ્રશંસા કરતા વરિષ્ઠ વિપક્ષી (TMC) નેતા અને કોલકાતાના ભૂતપૂર્વ મેયર ફિરહાદ હકીમે તેને "લોકશાહીનો સાચો વિજય" અને "ધારાસભ્યો પ્રત્યેનો અદ્ભુત આદર" ગણાવ્યો હતો.
ધારાસભ્યોના મુદ્દાઓ પર મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સીધી નજર રાખશે
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગૃહની ગરિમા વધારતા જાહેરાત કરી કે, હવેથી વિધાનસભાના સંદર્ભ સમય (Reference Period) દરમિયાન કોઈપણ ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા લોકહિતના મુદ્દાઓને સંબંધિત સરકારી વિભાગોને ૭ દિવસની અંદર મોકલવા ફરજિયાત રહેશે. તેમણે તમામ મંત્રીઓને કડક સૂચના આપી છે કે આ મુદ્દાઓ પર ત્વરિત જવાબ અને અમલીકરણ થવું જોઈએ. જો કોઈ કામ ટેકનિકલ કારણોસર શક્ય ન હોય, તો મંત્રીએ ગૃહમાં તેની સ્પષ્ટતા કરવી પડશે. પારદર્શિતા જાળવવા માટે આ તમામ માંગણીઓની યાદી સીધી મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને મોકલવામાં આવશે અને મુખ્યમંત્રી પોતે દર ત્રણ મહિને આ એક્શન ટેકન રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કરશે.
૨૧ જુલાઈના 'શહીદ દિવસ' ના બિલકુલ એક દિવસ પહેલાં મોટો રાજકીય ધડાકો
વહીવટી સુધારાની સાથે મુખ્યમંત્રીએ મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાછલી સરકારને ઘેરવા માટે એક મોટો રાજકીય દાવ ખેલ્યો છે. તેમણે જાહેરાત કરી કે, ૧૯૯૩ માં તત્કાલીન ડાબેરી મોરચાની (Left Front) સરકાર દરમિયાન યુથ કોંગ્રેસની રેલી પર થયેલા ભયાનક પોલીસ ગોળીબારની તપાસ માટે રચાયેલા 'જસ્ટિસ સુશાંત ચેટર્જી કમિશન' નો ગુપ્ત અહેવાલ આજે જાહેર કરવામાં આવશે. આ ઘટનામાં ૧૩ યુવા કાર્યકરોના મોત થયા હતા. મુખ્યમંત્રીએ વિપક્ષી બેન્ચો તરફ નિશાન સાધતા કહ્યું કે, "તમે આવતીકાલે ૨૧ જુલાઈના રોજ 'શહીદ દિવસ' ઉજવશો, પરંતુ આશ્ચર્યની વાત છે કે તમારી પોતાની સરકારે ૧૫ વર્ષના શાસનમાં આ કમિશનનો રિપોર્ટ ક્યારેય સાર્વજનિક કર્યો નથી."
શું છે ૨૧ જુલાઈ ૧૯૯૩નો વિવાદ? વર્ષ ૧૯૯૩માં જ્યારે રાઈટર્સ બિલ્ડિંગ તરફ કૂચ દરમિયાન પોલીસ ફાયરિંગ થયું, ત્યારે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ યુવા કોંગ્રેસના પ્રમુખ હતા. ત્યારબાદ ૧૯૯૮માં તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની સ્થાપના કરી અને ૨૦૧૧માં સત્તા પર આવ્યા બાદ આ તપાસ પંચની રચના કરી હતી. ૩૦૦ થી વધુ સાક્ષીઓની જુબાની બાદ કમિશને ૨૦૨૪ માં તેનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં તત્કાલીન સમયના અનેક આઈપીએસ (IPS) અધિકારીઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે. હવે સુવેન્દુ અધિકારી આ રિપોર્ટના આધારે અગાઉની સરકારની નિષ્ક્રિયતાને ખુલ્લી પાડશે, જેને કારણે બંગાળના રાજકારણમાં નવો ભૂકંપ સર્જાયો છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
