News of Tuesday, 30th June 2026
રાયબરેલીની હોસ્પિટલમાં અસ્વસ્થ યુવક સાથે દુર્વ્યવહાર : એક મહિલા સફાઈકર્મીએ 39 સેકન્ડમાં 10 વખત લાત મારી
વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો: મામલો રાજ્યના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકના ધ્યાન પર પહોંચતા તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લા હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક મહિલા સફાઈકર્મી માનસિક રીતે અસ્વસ્થ યુવક સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળે છે. વીડિયોમાં મહિલા યુવકને લાતો મારતી તેમજ અપશબ્દો બોલતી નજરે પડે છે. વીડિયો વાયરલ થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. મામલો રાજ્યના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકના ધ્યાન પર પહોંચતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આરોપી મહિલા કર્મચારીનું નામ પિંકી છે, જે જિલ્લા હોસ્પિટલમાં કરાર આધારિત સફાઈકર્મી તરીકે ફરજ બજાવે છે. સોમવાર સાંજે એક માનસિક રીતે અસ્વસ્થ યુવક હોસ્પિટલ પરિસરમાં આવીને જમીન પર બેઠો હતો. તે દરમિયાન મહિલા સફાઈકર્મી ત્યાં પહોંચી અને તેને ગાળો આપતાં બહાર જવા કહ્યું. યુવક ઊભો ન થઈ શકતાં મહિલાએ તેના પર લાતોનો વરસાદ શરૂ કર્યો
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે મહિલા સફાઈકર્મી યુવકને સતત લાતો મારે છે અને અપશબ્દો બોલે છે. આશરે 39 સેકન્ડના વીડિયોમાં તેણે યુવકને 10 વખત લાત મારી હતી. એટલું જ નહીં, તેણે યુવકની પીઠ ઉપરાંત ચહેરા પર પણ પ્રહાર કર્યો હતો.
ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર ઘટના દરમિયાન હોસ્પિટલમાં હાજર સુરક્ષાકર્મીઓ માત્ર તમાશો જોતાં રહ્યા અને કોઈએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. ઘટનાનો વીડિયો કોઈએ મોબાઇલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે બાદ મામલો ચર્ચાનો વિષય બન્યો.
મામલો સામે આવતા ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠકે તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે રાયબરેલી જિલ્લા હોસ્પિટલમાં સફાઈકર્મી દ્વારા માનસિક દર્દી સાથે કરાયેલા દુર્વ્યવહારના વાયરલ વીડિયોની નોંધ લેવામાં આવી છે. તેમના નિર્દેશ બાદ મુખ્ય ચિકિત્સા અધિકારીએ સંબંધિત સફાઈકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ દર્દી સાથે દુર્વ્યવહાર કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને આવા કૃત્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા હોસ્પિટલના મુખ્ય ચિકિત્સા અધિક્ષક (CMS) પુષ્પેન્દ્ર કુમારે પણ ઘટનાની નોંધ લઈને જણાવ્યું કે મહિલા સફાઈકર્મીના અયોગ્ય વર્તનને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
