તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
યુપી: સીએમ યોગી આદિત્યનાથનો 'સર્જરી પ્લાન' ફાઇનલ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યનું કદ વધશે, કયા મંત્રીઓની પાંખો કપાશે?
આગામી વિધાનસભા ચૂંટણીને જીતવા ભાજપ હાઇકમાન્ડનો મોટો દાવ; PWD, પાવર અને જલ શક્તિ જેવા લોકસંપર્ક ધરાવતા મંત્રાલયોમાં થશે મોટો ફેરબદલ, દિલ્હીમાં અમિતભાઈ શાહ સાથે બેઠક બાદ અટકળો તેજ

લખનૌ: દેશના સૌથી મોટા અને રાજકીય રીતે અતિ મહત્વપૂર્ણ એવા ઉત્તર પ્રદેશ રાજ્યના સત્તાના ગલિયારાઓમાં આજકાલ એક જબરદસ્ત ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી વર્ષે યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) હાઇકમાન્ડે હવે સંપૂર્ણપણે યુપી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યોગી સરકારને જનતાની વધુ નજીક લાવવા અને પાયાના સ્તરે કામગીરી મજબૂત કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેબિનેટનો એક મોટો 'સર્જરી પ્લાન' (મંત્રીમંડળમાં ફેરબદલ) તૈયાર કરી લીધો છે. આ અંતર્ગત ઘણા વર્તમાન મંત્રીઓના વિભાગોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં કેટલાક મંત્રીઓ વધુ પાવરફુલ બનશે તો કેટલાક અગ્રણી નેતાઓની સત્તામાં ઘટાડો થવાની સંભાવના છે.
પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગી સરકારમાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું રાજકીય કદ વધવાનું લગભગ નક્કી થઈ ગયું છે. તેમને સરકારમાં વધુ મહત્વપૂર્ણ અને વગદાર વિભાગો સોંપવા માટે ગંભીર મંથન ચાલી રહ્યું છે.
શું મૌર્યને ફરી મળશે હાઈ-પ્રોફાઈલ PWD મંત્રાલય?
કેશવ પ્રસાદ મૌર્ય હાલમાં ગ્રામીણ વિકાસ, ગ્રામીણ ઇજનેરી, ખાદ્ય પ્રક્રિયા અને જાહેર સાહસો જેવા વિભાગો સંભાળી રહ્યા છે. યોગી આદિત્યનાથના પ્રથમ કાર્યકાળ (2017-2022) માં મૌર્ય પાસે હાઈ-પ્રોફાઈલ જાહેર બાંધકામ વિભાગ (PWD) હતો, પરંતુ બીજા કાર્યકાળમાં મુખ્યમંત્રી યોગીએ આ વિભાગ પોતાની પાસે રાખ્યો હતો. હાલમાં સીએમ યોગી પાસે ગૃહ, મહેસૂલ, માહિતી અને નાગરિક ઉડ્ડયન સહિત 35 થી વધુ મંત્રાલયો છે. ચર્ચા છે કે આગામી દિવસોમાં મૌર્યને ફરીથી PWD ની મોટી જવાબદારી મળી શકે છે. જો કોઈ કારણોસર આના પર સહમતિ ન સધાય, તો તાજેતરમાં જ ૧૦ મેના રોજ મંત્રી તરીકે શપથ લેનારા અને પૂર્વ યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરીને PWD ચલાવવાની તક આપવામાં આવી શકે છે.
વીજળી, પાણી અને પંચાયતી રાજ મંત્રાલયમાં પણ નેતૃત્વ પરિવર્તન
આ 'સર્જરી પ્લાન' હેઠળ માત્ર PWD જ નહીં, પરંતુ જનતા સાથે સીધા જોડાયેલા અન્ય પ્રભાવશાળી મંત્રાલયોમાં પણ મોટા ફેરફારો થવાના સંકેત છે. જેમાં અરવિંદ કુમાર શર્મા દ્વારા સંચાલિત પાવર મંત્રાલય (વીજળી વિભાગ), ગઠબંધન ભાગીદાર અને SBSP ના વડા ઓમ પ્રકાશ રાજભર હસ્તકનું પંચાયતી રાજ મંત્રાલય, તેમજ સ્વતંત્ર દેવ સિંહ દ્વારા સંચાલિત જલ શક્તિ મંત્રાલયમાં નેતૃત્વ પરિવર્તન અને પોર્ટફોલિયોની અદલાબદલી થઈ શકે છે. ભાજપના નેતાઓનું માનવું છે કે રસ્તા, વીજળી, પાણી પુરવઠો અને ગ્રામીણ શાસન એવા મંત્રાલયો છે જેની સીધી અસર ચૂંટણી પર પડે છે, તેથી તેના પર પક્ષના સૌથી મજબૂત ચહેરાઓને બેસાડવામાં આવશે.
અમિતભાઈ શાહ સાથેની બેઠક બાદ લિસ્ટ તૈયાર:
તાજેતરમાં જ થયેલા મંત્રીમંડળના વિસ્તાર બાદ યોગી સરકારમાં મંત્રીઓની કુલ સંખ્યા વધીને 60 થઈ ગઈ છે, જેમાં 23 કેબિનેટ મંત્રીઓ, 16 રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 21 રાજ્યમંત્રીઓ સામેલ છે. આ પોર્ટફોલિયો ફાળવણીને આખરી ઓપ આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં જ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પાર્ટી પ્રમુખ નીતિન નવીન સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે હાઈ-લેવલ બેઠકો કરી હતી, જેમાં આ ફેરબદલની યાદીને મંજૂરી મળી હોવાનું મનાય છે. હવે ગમે તે ક્ષણે રાજભવનથી આ ફેરફારની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
