<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

મહારાષ્ટ્ર TET પેપર લીક કાંડમાં યુપી કનેક્શન: આગ્રાની પ્રિન્ટિંગ પ્રેસમાંથી વધુ ૩ આરોપીઓની ધરપકડ, રૂ.૧.૫ કરોડનો ડીલ થાય તે પહેલાં જ ખેલ ખતમ!

દિલ્હીથી લવાયેલા ઓરિજિનલ પ્રશ્નપત્રોના ચાર સેટ સાથે મોબાઈલ અને રોકડ જપ્ત; ભિવંડી પોલીસે પરીક્ષાના એક દિવસ પહેલાં જ રેકેટનો પર્દાફાશ કરી કુલ ૧૦ મૂરતિયાઓને જેલભેગા કર્યા

મુંબઈ : મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ના પેપર લીક થવાના અત્યંત ચકચારી કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. આ કેસની ઊંડી તપાસ કરી રહેલી ભિવંડી પોલીસે ઉત્તર પ્રદેશ (UP) ના આગ્રામાં ત્રાટકીને એક હાઈ-પ્રોફાઈલ પ્રિન્ટિંગ પ્રેસમાંથી વધુ ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. આ નવી ધરપકડ સાથે જ આ આખા કૌભાંડમાં પકડાનારા માસ્ટરમાઇન્ડ અને સભ્યોની કુલ સંખ્યા હવે ૧૦ પર પહોંચી ગઈ છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ એ જ પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓ છે જ્યાં સત્તાવાર રીતે આ પરીક્ષાના પ્રશ્નપત્રો છાપવામાં આવી રહ્યા હતા. ભિવંડીની સ્થાનિક કોર્ટે આ ત્રણેય નરાધમોને આગામી ૯ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.

વહીવટીતંત્ર ઊંઘતું રહ્યું અને પોલીસે કાવતરું નિષ્ફળ બનાવ્યું

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ભિવંડી પોલીસે સત્તાવાર રીતે નિર્ધારિત થયેલી TET પરીક્ષાના બરાબર એક દિવસ પહેલાં જ એક અત્યંત ગુપ્ત અને ચોક્કસ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પરીક્ષાના કલાકો પહેલાં જ પેપર લીક કરનારા રેકેટના મુખ્ય ત્રણ સભ્યોને ઝડપી લીધા હતા. આ ટોળકી દેશની રાજધાની દિલ્હીથી અસલી પ્રશ્નપત્રો ચોરીને લાવી હતી અને મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં આશરે ૧.૫ કરોડ રૂપિયાના તોતિંગ સોદા હેઠળ તેને પરીક્ષાર્થીઓને વેચવાની છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહી હતી.

અસલી પ્રશ્નપત્રોના ચાર સેટ મળતાં જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

પોલીસે કથિત સોદો પાર પડે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થાય તે પહેલાં જ તવાઈ બોલાવી દીધી હતી. દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી TET પ્રશ્નપત્રોના ચાર અલગ-અલગ અસલી સેટ, હાઈ-ટેક મોબાઈલ ફોન અને મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી લીધી હતી. આ મામલે જ્યારે 'મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ'ના ઉચ્ચ અધિકારીઓને બોલાવીને તપાસ કરવામાં આવી, ત્યારે તેમણે પણ સ્વીકાર્યું અને પુષ્ટિ કરી કે જપ્ત કરાયેલા પ્રશ્નપત્રો ૧૦૦ ટકા અસલી અને મૂળ પ્રશ્નપત્રો સાથે આબેહૂબ મેળ ખાતા હતા.

આગ્રાની પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓની સંડોવણી સામે આવ્યા બાદ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડના તાર દિલ્હી અને ઉત્તર પ્રદેશના અન્ય કયા મોટા માફિયાઓ સાથે જોડાયેલા છે.

(10:20 PM IST)