<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

યુપીની રાજનીતિમાં ગરમાવો: અસદુદ્દીન ઓવૈસીની ગઠબંધન ઓફરથી કોંગ્રેસ અને સપાની વધી મુશ્કેલીઓ, ભાજપને રોકવા માટે વિપક્ષમાં મંથન

૨૦૨૭ની ચૂંટણી પહેલા મુસ્લિમ મતોના ધ્રુવીકરણ અને વોટ વહેંચાઈ જવાની આશંકાએ વિપક્ષી છાવણીમાં ફેલાઈ ચિંતા: ઓવૈસીના ૨ ઓક્ટોબર સુધીના અલટીમેટમ પર બધાની નજર

લખનૌ : ઉત્તર પ્રદેશમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના રણશિંગા ફૂંકાય તે પહેલા જ રાજકીય સમીકરણો અત્યારથી જ અત્યંત રોમાંચક અને જટિલ બનવા લાગ્યા છે. AIMIM ના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વિપક્ષી પક્ષો સમક્ષ ચૂંટણી ગઠબંધનની એક મોટી ઓફર ધરી છે. ઓવૈસીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે જે પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP) ને સત્તામાં પાછા ફરતા અટકાવવા માંગે છે તેમણે AIMIM સાથે હાથ મિલાવવો જોઈએ. એટલું જ નહીં, તેમની પાર્ટીએ આ ગઠબંધન અંગે આગામી ૨ ઓક્ટોબર સુધીમાં આખરી નિર્ણય લેવાનું એલાન પણ કરી દીધું છે.

 

ઓવૈસીની આ અચાનક આવેલી ગઠબંધન ઓફરે ઉત્તર પ્રદેશના મુખ્ય વિપક્ષી પક્ષો એટલે કે સમાજવાદી પાર્ટી (SP) અને કોંગ્રેસની ઊંઘ ઉડાડી દીધી છે. એસપી લાંબા સમયથી મુસ્લિમ-યાદવ (M-Y) સમીકરણ પર આધાર રાખીને પોતાની રાજકીય પકડ જમાવી રહી છે, જ્યારે કોંગ્રેસ પણ રાજ્યમાં પોતાનો ખોવાયેલો જમીની આધાર મજબૂત કરવાના પ્રયાસોમાં છે. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે આ અંગે ખુલ્લીને ચિંતા વ્યક્ત કરી છે કે ભાજપને હરાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, પરંતુ AIMIMની હાજરીથી વિપક્ષી મતોનું મોટું વિભાજન થઈ શકે છે, જેનો આખરી ફાયદો સીધો સત્તાધારી પક્ષને મળી શકે છે.

 

લઘુમતી રાજકારણના આક્ષેપો અને આંતરિક ખેંચતાણનો ડર

 

કોંગ્રેસ અને સપાના નેતાઓમાં એ વાતનો મોટો ડર સતાવી રહ્યો છે કે જો તેઓ ઓવૈસીની પાર્ટી સાથે જોડાણ કરશે તો ભાજપ તેમને 'લઘુમતીવાદી' કે 'તુષ્ટિકરણ' ના રાજકારણના મુદ્દે ઘેરી લેશે. બીજી તરફ, જો AIMIM એકલા હાથે ચૂંટણી લડશે તો પણ લઘુમતી મતો વહેંચાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં AIMIM એક પણ બેઠક જીતી શકી ન હતી, પરંતુ આ વખતે પાર્ટીએ રાજ્યમાં સંગઠનને મજબૂત કરીને મોટી સંખ્યામાં બેઠકો પર ઝંપલાવવાની રણચંદી તૈયાર કરી છે.

 

આ રાજકીય ગરમાગાંરી વચ્ચે AIMIMને મોટો આંચકો પણ લાગ્યો છે, કેમ કે પાર્ટીના અગ્રણી ચહેરા અને રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ અસીમ વકારે તાજેતરમાં જ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે અને AIMIM પર વિપક્ષી એકતાને નબળી પાડવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આમ, ઓવૈસીની આ રણનીતિ સામે વિપક્ષી ગઠબંધન (I.N.D.I.A.) અત્યંત સતર્ક મુદ્રામાં આવી ગયું છે અને ૨ ઓક્ટોબર પહેલા યુપીનું રાજકારણ કઈ દિશા પકડશે તેના પર આખા દેશની રાજકીય નજર ટકેલી છે.

(8:36 PM IST)