<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

અલ્હાબાદ હાઈકોર્ટના બનાવટી આદેશના આધારે ૯૫ વેબસાઈટો બંધ કરાવવાના કૌભાંડમાં યુપી પોલીસની એન્ટ્રી, નોંધાઈ એફઆઈઆર

આઈપીએલની નકલી મેચો અને સટ્ટાબાજી ચલાવતી વેબસાઈટોને બ્લોક કરવા માટે કોર્ટના ખોટા દસ્તાવેજોનો કરાયો હતો ઉપયોગ, વકીલની ઓળખ આપી મોકલાયો હતો આદેશ

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં ન્યાયતંત્ર અને સાયબર સુરક્ષાને હચમચાવી દેતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના એક બનાવટી (ફોર્જરી) આદેશના આધારે કેન્દ્ર સરકારને ગેરમાર્ગે દોરીને ઓછી ૯૫ વેબસાઈટોને બ્લોક કરાવવામાં આવી હતી. આ વેબસાઈટો કથિત રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની નકલી મેચોનું જીવંત પ્રસારણ અને સટ્ટાબાજીના પ્લેટફોર્મ ચલાવી રહી હતી. આ ગંભીર મામલે હાઈકોર્ટના જોઈન્ટ રજિસ્ટ્રારની સત્તાવાર ફરિયાદના આધારે ૬ નવેમ્બરે ઉત્તર પ્રદેશ પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૮(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૭, ૩૩૮ અને ૩૪૦(૨) હેઠળ ફોજદારી કેસ નોંધીને સઘન તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ગત ૩૦ ઓક્ટોબરે રોઈટર્સના ટેક્નોલોજી રિપોર્ટર મુનસિફ વેંગટ્ટિલે ટેલિકોમ્યુનિકેશન વિભાગની વેબસાઈટ પર પ્રદર્શિત થયેલા એક 'બ્લોકિંગ ઓર્ડર' અંગે હાઈકોર્ટ પાસે પુષ્ટિ માંગી હતી. તપાસ કરતા બહાર આવ્યું કે કાર્તિકેય પાંડે નામના શખ્સે પોતાની ઓળખ 'વરિષ્ઠ વકીલ' તરીકે આપીને જસ્ટિસ ગરિમા પ્રસાદના નામનો દુરુપયોગ કરી ૨ સપ્ટેમ્બરનો આ બનાવટી આદેશ વિભાગને મોકલ્યો હતો. હાઈકોર્ટની આંતરિક તપાસ અને જસ્ટિસ પ્રસાદના ખાનગી સચિવે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે અદાલત દ્વારા ક્યારેય આવો કોઈ આદેશ જારી કરવામાં જ આવ્યો ન હતો.
ચીફ જસ્ટિસના સીધા આદેશ બાદ નોંધાયેલી આ એફઆઈઆરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ અજાણી વ્યક્તિ કે જૂથે ફોરજરી કરીને નકલી ન્યાયિક દસ્તાવેજો તૈયાર કર્યા અને તેને અસલી તરીકે રજૂ કરી સરકારી તંત્રને છેતર્યું છે. આ બનાવટી આદેશના આધારે ૧૪ ઓગસ્ટના રોજ કુલ ૯૫ વેબસાઇટ્સને બ્લોક કરવાનો ગેરકાયદેસર આદેશ અમલમાં મુકાયો હતો, જે ન્યાયિક પ્રક્રિયા સાથે ચેડાં સમાન ગંભીર અપરાધ છે.
આ ઘટના બાદ હવે યુપી પોલીસની સાયબર ક્રાઈમ ટીમ અને વિશેષ તપાસ दल (SIT) દ્વારા આ બનાવટી પત્ર મોકલનાર વકીલ અને તેની પાછળ સક્રિય સંગઠનોના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ન્યાયતંત્રના દસ્તાવેજોની સુરક્ષા અને ઓનલાઈન સેન્સરશિપ પ્રક્રિયામાં ભવિષ્યમાં આવી ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષાના ધોરણો વધુ કડક બનાવવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

(9:06 PM IST)