તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ખળભળાટ: 7 વર્ષમાં 87,000 શાળાઓના દરવાજા કાયમ માટે બંધ, ગ્રામીણ બાળકોના શિક્ષણ પર લટકતી તલવાર!
ઉચ્ચ શિક્ષણનું સપનું અધૂરું: દર 10માંથી 4 બાળકો ધોરણ 12 સુધી પહોંચતા પહેલા જ છોડી દે છે શાળા, સરકારી શાળાઓમાં નોંધણી ઘટતા ખાનગી શિક્ષણનો દબદબો વધ્યો - જાણો શું કહે છે નીતિ આયોગનો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી, તા. 12: ભારતની શાળાકીય શિક્ષણ વ્યવસ્થા અત્યારે એક ખૂબ જ મોટા અને ચિંતાજનક પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. નીતિ આયોગના તાજેતરના આંકડા મુજબ, દેશમાં શાળાઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017-18માં ભારતમાં 15.58 લાખ શાળાઓ હતી, જે 2024-25 સુધીમાં ઘટીને 14.71 લાખ થઈ ગઈ છે. એટલે કે માત્ર સાત વર્ષના ટૂંકા ગાળામાં લગભગ 87,000 શાળાઓ બંધ થઈ ગઈ છે અથવા અન્ય શાળાઓમાં મર્જ કરી દેવામાં આવી છે.
ગ્રામીણ બાળકો માટે વધ્યું અંતર
સરકારનો ઉદ્દેશ્ય ઓછી નોંધણી ધરાવતી શાળાઓને જોડીને સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવાનો છે, પરંતુ આ પ્રક્રિયાની વિપરીત અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહી છે. અંતરિયાળ ગામડાઓમાં શાળાઓ બંધ થવાને કારણે બાળકોને હવે ભણવા માટે લાંબુ અંતર કાપવું પડે છે. પરિવહનની સુવિધાના અભાવે ઘણા પરિવારો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે, જેને પરિણામે 'ડ્રોપ-આઉટ' રેટમાં વધારો થયો છે.
સરકારી શાળાઓનો ઘટતો ક્રેઝ
છેલ્લા એક દાયકામાં સરકારી શાળાઓ પ્રત્યેનો ઝુકાવ ઘટ્યો હોય તેવું આંકડાઓ પરથી જણાય છે. વર્ષ 2014-15માં કુલ નોંધણીના 55.3 ટકા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં હતા, જે હવે ઘટીને 49.3 ટકા થઈ ગયા છે. બીજી તરફ, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. માત્ર દસ વર્ષમાં ખાનગી શાળા પ્રણાલીમાં એક કરોડથી વધુ નવા વિદ્યાર્થીઓ ઉમેરાયા છે, જે શિક્ષણના વ્યાપારીકરણ તરફ પણ ઈશારો કરે છે.
ઉચ્ચતર માધ્યમિક સુધી પહોંચવામાં મોટો અવરોધ
રિપોર્ટનો સૌથી ચોંકાવનારો પક્ષ એ છે કે પ્રાથમિક શિક્ષણમાં તો 90.9 ટકા નોંધણી છે, પરંતુ જેમ જેમ ધોરણો વધતા જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે. માધ્યમિક સ્તરે આ આંકડો 78.7 ટકા અને ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 11-12) સુધી પહોંચતા સુધીમાં તે માત્ર 58.4 ટકા રહી જાય છે. આનો સીધો અર્થ એ છે કે દર દસમાંથી ચાર બાળકો પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરી શકતા નથી.
જોકે, એક હકારાત્મક પાસું એ પણ છે કે વર્ષ 2014-15ની સરખામણીમાં ઉચ્ચતર માધ્યમિકમાં નોંધણીનો દર 46.37 ટકાથી વધીને 58.4 ટકા થયો છે, પરંતુ હજુ પણ લાખો બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી રહ્યા છે જે દેશના ભવિષ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
