<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

૧૫ સપ્ટેમ્બરથી નાના વેપારીઓનો UPI પેમેન્ટ ઓપ્શન થઈ શકે છે બંધ: RBI સમક્ષ રી-KYC ની સમયમર્યાદા લંબાવવા પેમેન્ટ કંપનીઓની વિનંતી

દેશભરના લાખો શાકભાજી વિક્રેતાઓ, નાના દુકાનદારો અને ઓનલાઈન બિઝનેસના વેરિફિકેશન હજુ બાકી: ૧૫ સપ્ટેમ્બર સુધીમાં મુદ્દત નહીં લંબાય તો સાઉન્ડબોક્સ અને QR સ્ટેન્ડ થઈ જશે અસ્થાયી રૂપે બ્લોક

નવી દિલ્હી : દેશભરમાં રોજીંદી ખરીદી માટે UPI અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી ૧૫ સપ્ટેમ્બરથી દેશના લાખો નાના દુકાનદારો, ફેરિયાઓ અને શેરી વિક્રેતાઓ માટે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું બંધ થઈ શકે છે. Paytm, PhonePe અને Google Pay જેવી અગ્રણી પેમેન્ટ એગ્રીગેટર કંપનીઓએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સમક્ષ વેપારીઓના 'રી-KYC' (Re-KYC) ની સમયમર્યાદા લંબાવવા માટે તાકીદની અપીલ કરી છે. જો RBI આ સમયમર્યાદા નહીં લંબાવે, તો હજારો દુકાનો પર મુકેલા QR કોડ અને સાઉન્ડબોક્સ અસ્થાયી રૂપે નિષ્ક્રિય થઈ જવાની ભીતિ છે.

RBI એ સપ્ટેમ્બર ૨૦૨૫ માં ડિજિટલ છેતરપિંડી, મની લોન્ડરિંગ અને બનાવટી ખાતાઓને રોકવા માટે પેમેન્ટ કંપનીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં તમામ વેપારીઓનું ભૌતિક (Physical) વેરિફિકેશન અને પુનઃ દસ્તાવેજીકરણ ફરજિયાત કરવામાં આવ્યું હતું. જોકે, નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં યોગ્ય દસ્તાવેજોના અભાવ અને કંપનીઓના પોતાના કાયમી કર્મચારીઓ દ્વારા જ ચકાસણી કરવાના નિયમને કારણે હજુ પણ ૩૦% થી ૩૫% નાના વેપારીઓ અને ૧૦ લાખથી વધુ નાના ઈ-કોમર્સ બિઝનેસનું વેરિફિકેશન બાકી બોલે છે. પેમેન્ટ ઓપરેટર્સનું કહેવું છે કે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં માત્ર ૮૦% કામ જ પૂરું થઈ શકશે, તેથી વધુ સમય આપવો જરૂરી છે.

જોકે, આ સંકટથી દેશના કુલ ડિજિટલ નાણાકીય વ્યવહારો અને મોટા મોલ કે શોપિંગ મોલ પર કોઈ મોટી અસર નહીં પડે, કારણ કે કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં નાના વેપારીઓનો હિસ્સો મર્યાદિત હોય છે. પરંતુ સામાન્ય લોકોની દૈનિક છૂટક ખરીદી, શાકભાજીના લાારી-ગલ્લા અને સ્થાનિક કરિયાણાની દુકાનો પર ડિજિટલ ચુકવણી ખોરવાઈ જવાની પૂરી શક્યતા છે. પેમેન્ટ ઇન્ડસ્ટ્રીને પૂરી આશા છે કે કડક નિયમો વચ્ચે વેપારીઓની વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને RBI સમયમર્યાદામાં રાહત આપતી જાહેરાત કરી શકે છે.

(6:03 PM IST)