<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

મોટા વેપારીઓ માટે રૂ.૨૦૦૦થી વધુના યુપીઆઇ પેમેન્‍ટ પર ૦.૫% ચાર્જ લાગુ થવાની શક્‍યતા

નવી દિલ્‍હી,તા.૧૮: સરકાર યુપીઆઇ પ્રોવાઇડર્સના ખર્ચને પહોંચી વળવા મોટા વેપારીઓ પર ૦.૫% એમડીઆર (મર્ચન્‍ટ ડિસ્‍કાઉન્‍ટ રેટ) ફરી લાગુ કરવા વિચારી રહી છે. રૂ. ૧.૫ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને આ ચાર્જમાંથી સંપૂર્ણ મુક્‍તિ અપાશે. કુલ પેમેન્‍ટમાં રૂ. ૨૦૦૦થી વધુના વ્‍યવહારોનો હિસ્‍સો માત્ર ૪% હોવાથી મોટાભાગના લોકોને તેની કોઈ જ અસર નહીં થાય.

યુપીઆઇ પેમેન્‍ટ સેવા પૂરી પાડતી બેંકો અને પ્રોવાઇડર્સને થતા સંચાલન અને ટેકનોલોજીના ખર્ચને સરભર કરવા કેન્‍દ્ર સરકાર મહત્‍વનો નિર્ણય લઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા વેપારીઓને રૂ.૨,૦૦૦ કે તેથી વધુ રકમના યુપીઆઇ પેમેન્‍ટ પર ૦.૫% થી વધુ ન હોય તેવો મર્ચન્‍ટ ડિસ્‍કાઉન્‍ટ રેટ (એમડીઆર) ચૂકવવો પડી શકે છે.

જોકે, નાના વેપારીઓને મોટી રાહત આપતા, જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૧.૫ કરોડથી ઓછું હશે તેમને આ ચાર્જમાંથી મુક્‍તિ આપવામાં આવશે. આ અંગેનો અંતિમ નિર્ણય આગામી એક મહિનામાં લેવાય તેવી શક્‍યતા છે. પ્રસ્‍તાવ મુજબ મોટા વેપારીઓ આ ખર્ચનો બોજ ઉઠાવી શકે છે, જ્‍યારે નાના વેપારીઓને આર્થિક માર ન પડે તેનું ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે.

નોંધનીય છે કે, જાન્‍યુઆરી ૨૦૨૦માં ડિજિટલ પેમેન્‍ટને પ્રોત્‍સાહન આપવા માટે સરકારે એમડીઆર નાબૂદ કર્યો હતો. પરંતુ વધતા ડિજિટલ ટ્રાન્‍ઝેક્‍શનને કારણે ફિનટેક ઉદ્યોગ અને તાજેતરમાં માર્ચ ૨૦૨૬માં પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીએ આ ચાર્જ ફરી લાગુ કરવા ભલામણ કરી હતી. હાલના આંકડા મુજબ ૮૬% વ્‍યવહારો રૂ. ૫૦૦ કે તેથી ઓછાના હોય છે, અને માત્ર ૪% વ્‍યવહારો જ રૂ.૨૦૦૦થી વધુના હોય છે, તેથી આ નિયમથી સામાન્‍ય ગ્રાહકો પર મોટો બોજો પડવાની કોઈ શક્‍યતા નથી. 

શેરોમાં હલચલ-યુપીઆઇ પેમેન્‍ટના આંકડાઓ

શેરોમાં હલચલની વિગતો અનુસાર, ફેડરલ બેંકનો ઇન્‍ટ્રા ડે હાઇ-લો રૂ. ૩૫૧ રહ્યો હતો અને તેનો બંધ ભાવ રૂ. ૩૪૮ નોંધાયો હતો. જુન ક્‍વાર્ટરમાં નફામાં ૩૭ ટકાની વૃદ્ધિ થવાના કારણે આ શેરમાં રૂ. ૨૧.૪૦ (૬.૫૫ ટકા) ની વધઘટ જોવા મળી હતી. જિયો ફાઇનાન્‍શિયલનો ઇન્‍ટ્રા ડે હાઇ-લો રૂ. ૨૪૯.૯૫ અને બંધ ભાવ રૂ. ૨૪૨.૭૦ રહ્યો હતો, જેમાં જુન ક્‍વાર્ટરમાં નફામાં ૧૫૬ ટકાની વૃદ્ધિના કારણે રૂ. ૭.૦૫ (૨.૯૯ ટકા) ની વધઘટ નોંધાઈ હતી. રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝનો ઇન્‍ટ્રા ડે હાઇ-લો રૂ. ૧,૩૩૦.૩૦ અને બંધ ભાવ રૂ. ૧,૩૨૮.૮૦ રહ્યો હતો. પ્રમોટર્સે જુન ક્‍વાર્ટરમાં હિસ્‍સો ૦.૪૮ ટકા વધારીને ૫૦.૪૮ ટકા કરતાં રિલાયન્‍સના શેરમાં રૂ. ૩૨.૨૦ (૨.૪૮ ટકા) ની વધઘટ જોવા મળી હતી.

બીજી તરફ, વહેવારોના મૂલ્‍યના આધારે યુપીઆઇ પેમેન્‍ટના વર્ગીકરણમાં કુલ વહેવારોમાંથી રૂ. ૧ થી રૂ. ૫૦૦ ના મૂલ્‍યના વહેવારોનો હિસ્‍સો સૌથી વધુ ૮૬ ટકા છે. રૂ. ૫૦૦ થી રૂ. ૨,૦૦૦ ની રકમના વહેવારોનો હિસ્‍સો ૧૦ ટકા છે, જ્‍યારે રૂ. ૨,૦૦૦ થી વધુ રકમના વહેવારોનો હિસ્‍સો માત્ર ૪ ટકા છે. યુપીઆઇથી થતા વહેવારોના વાર્ષિક કદની (રૂ. લાખ કરોડમાં) વાત કરીએ તો, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માં તે ૨૧ લાખ કરોડ રૂપિયા હતું. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૦-૨૧ માં ૪૧ લાખ કરોડ, ૨૦૨૧-૨૨ માં ૮૪ લાખ કરોડ, ૨૦૨૨-૨૩ માં ૧૩૯ લાખ કરોડ અને ૨૦૨૩-૨૪ માં ૨૦૦ લાખ કરોડ રૂપિયાનું કદ નોંધાયું હતું. વર્ષ ૨૦૨૪-૨૫ માં આ કદ ૨૬૧ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૫-૨૬ માં ૩૧૪ લાખ કરોડ રૂપિયા રહેવાની વિગતો કોષ્ટકમાં દર્શાવવામાં આવી છે.

(10:35 AM IST)