News of Sunday, 11th October 2026
લખનૌ કોંગ્રેસ મુખ્યાલયમાં હોબાળો: નવા પ્રદેશ પ્રમુખના તાજપોશી સમારોહમાં અજય રાય અને મમતા ચૌધરીના સમર્થકો વચ્ચે જૂતા-ચપ્પલ ઊછળ્યા
કયા પ્રમુખ?" ની ટિપ્પણી બાદ વિવાદ વકર્યો : પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ધરણા પર બેઠા : પ્રમોદ તિવારી અને ઇમરાન મસૂદની સમજાવટ બાદ વાતાવરણ થાળે પડ્યું

લખનૌ: લખનૌ સ્થિત કોંગ્રેસ રાજ્ય કાર્યાલય ખાતે રવિવારે નવા પ્રદેશ પ્રમુખ અને કાર્યકારી પ્રમુખના પદગ્રહણ સમારોહ દરમિયાન ભારે અફરાતફરી અને જૂથબંધીનો નજારો જોવા મળ્યો હતો. નવા પ્રદેશ પ્રમુખ આરાધના મિશ્રા અને કાર્યકારી પ્રમુખ ઇમરાન મસૂદના ઉદ્ઘાટન અને પદભાર ગ્રહણ કાર્યક્રમ દરમિયાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને વરિષ્ઠ નેતા મમતા ચૌધરીના સમર્થકો વચ્ચે ઉગ્ર દલીલો બાદ મારામારી અને જૂતા ફેંકવાની ઘટના બની હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યારે અજય રાય પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે ભીડમાંથી અવાજ આવ્યો કે "પ્રમુખ આવી રહ્યા છે, કૃપા કરીને રસ્તો આપો." આ સાંભળીને મમતા ચૌધરીએ "કયા પ્રમુખ?" તેવી ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ થયો હતો. અજય રાયે આરોપ લગાવ્યો હતો કે તેમના વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે બંને પક્ષના કાર્યકરો અને સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વાત એટલી વધી ગઈ કે ધક્કામુક્કી અને મારામારી વચ્ચે એક વ્યક્તિ હાથમાં જૂતું લઈને બીજા પર હુમલો કરતો વીડિયોમાં નજરે પડ્યો હતો.
આ ઘટનાથી ભારે નારાજ થયેલા અજય રાયે પોતાના સમર્થકોના ગેરવર્તન અને ધક્કામુક્કીના વિરોધમાં કોંગ્રેસ કાર્યાલયમાં જ ધરણા પર બેસી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોઈને વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારી અને નવનીયુક્ત કાર્યકારી પ્રમુખ ઇમરાન મસૂદે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અજય રાયને શાંત પાડ્યા હતા અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. સમજાવટ બાદ અજય રાયે આરાધના મિશ્રાને પોતાનો કાર્યભાર સંભાળવાની મંજૂરી આપી હતી, પરંતુ આ ઘટનાએ યુપી કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ છતી કરી દીધી છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
