<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

બિહારમાં ખળભળાટ! રિશુ શ્રી ટેન્ડર કૌભાંડમાં પ્રખ્યાત IAS આનંદ કિશોર સહિત ૬ વરિષ્ઠ અધિકારીઓને EDનું તેડું

પટના હાઈકોર્ટના કડક ચાબુક બાદ એ EDની મોટી કાર્યવાહી : પડદા પાછળના અસલી ખેલાડીઓને શોધી કાઢવા માટે આનંદ કિશોર, સંતોષ કુમાર મલ્લા સહિત છ IAS અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ.

પટના :  બિહારની રાજધાની પટનામાંથી એક મોટા રાજકીય અને પ્રશાસનિક ધડાકાના સમાચાર સામે આવી રહ્યા છે. ચકચારી રિશુ શ્રી કથિત ટેન્ડર કૌભાંડ કેસમાં EDની તપાસે અચાનક જોર પકડ્યું છે, અને કેન્દ્રીય એજન્સીએ બિહારના છ મોટા અને વરિષ્ઠ IAS અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે. આ હાઈ-પ્રોફાઈલ લિસ્ટમાં બિહારના જાણીતા IAS અધિકારી આનંદ કિશોર, સંતોષ કુમાર મલ્લા, ધર્મેન્દ્ર કુમાર, યોગેશ કુમાર સાગર, અભિલાષા કુમારી શર્મા અને સુનીલ યાદવના નામ સામેલ છે. અદાલતી આદેશો અને કડક વલણ વચ્ચે EDની આ ધમાકેદાર એન્ટ્રીથી અમરશાહીમાં ભારે હડકંપ મચી ગયો છે.

આ સમગ્ર કાર્યવાહી પાછળ પટના હાઈકોર્ટની લાલઆંખ મુખ્ય કારણ બની છે. ગત ૧૫ ઓક્ટોબરે રિશુ શ્રીની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે તીખી ટિપ્પણી કરી હતી કે, મુખ્ય આરોપી કે કાવતરાખોર કોઈક બીજું છે અને રિશુ શ્રી તો માત્ર એક પ્યાદું છે. કોર્ટે આશંકા વ્યક્ત કરી હતી કે કેટલાક મોટા માથાઓ કે અધિકારીઓને બચાવવા માટે રમત રમાઈ રહી છે. હાઈકોર્ટની આ સવાલોની ઝડી અને કડક વલણ બાદ સફાળા જાગેલા EDએ તપાસનો વ્યાપ વધારી દીધો છે. સુનીલ યાદવ અને અભિલાષા કુમારી શર્મા જેવા અધિકારીઓની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે, જ્યારે આનંદ કિશોર અને સંતોષ કુમાર મલ્લા જેવા દિગ્ગજ અધિકારીઓને પણ આગામી તારીખોમાં ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન છૂટ્યું છે.

વર્ષ ૨૦૨૩ માં નોંધાયેલા આ મની લોન્ડરિંગ અને ટેન્ડર સિન્ડિકેટ કેસમાં હવે કાનૂની ફંકો વધુ કસ્સાતો જઈ રહ્યો છે. ED દ્વારા આ અધિકારીઓની પૂછપરછ કરીને ટેન્ડર ફાળવણીની પ્રક્રિયા, ગુપ્ત નાણાકીય વ્યવહારો અને પડદા પાછળ સંડોવાયેલા અસલી સૂત્રધારોના કાળાં કારનામાં બહાર લાવવામાં આવશે. PMLA કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી પર પણ સમગ્ર રાજ્યની નજર ટકેલી છે. જો આ તપાસ યોગ્ય દિશામાં આગળ વધી, તો બિહારના પ્રશાસન અને નોકરશાહીમાં મોટા માથાંઓ પર ગાજ વીજળીની પૂરી સંભાવના છે, જેનાથી ભ્રષ્ટાચારના આ ખેલમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

(6:36 PM IST)