<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

અદાલતમાં હોબાળો: વકીલો દ્વારા કોર્ટ કાર્યવાહી અટકાવવા સામે અલ્હાબાદ હાઇકોર્ટની લાલ આંખ, ન્યાયાધીશે કહ્યું- 'કોઈપણ સંજોગોમાં ન્યાય પ્રક્રિયા નહીં અટકે'

પ્રયાગરાજમાં ન્યાયિક ગરિમા અને બાર વચ્ચે ઘમાસાણ: અલ્હાબાદ હાઇકોર્ટે વકીલો દ્વારા સાથી વકીલોને બળજબરીપૂર્વક અટકાવવાની ઘટનાને ગંભીરતાથી લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી અધૂરી માહિતી સામે પણ લાલઘુમ થઈ કડક ચેતવણી આપી

પ્રયાગરાજ :  અલ્હાબાદ હાઇકોર્ટમાં ન્યાયિક કાર્યવાહી દરમિયાન વકીલોના એક વર્ગ દ્વારા કરવામાં આવતી દાદાગીરી અને બળજબરી સામે હાઇકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેસવાલે એક કેસની સુનાવણી દરમિયાન જ્યારે જોયું કે કેટલાક આંદોલનકારી વકીલોએ અન્ય સાથી વકીલો અને સરકારી વકીલોને કોર્ટરૂમમાં પ્રવેશતા બળજબરીપૂર્વક અટકાવ્યા હતા, ત્યારે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે મુઠ્ઠીભર વકીલોની મનમાનીના કારણે અદાલતની કાર્યવાહી ક્યારેય રોકી શકાતી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે બહુમતી વકીલો અને અસીલો પોતાના કેસની સુનાવણી ઈચ્છતા હોય.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કોર્ટ નંબર ૬૬ માં એક જામીન અરજી પર સુનાવણી માટે વારંવાર બોલાવવા છતાં કોઈ હાજર ન રહ્યું, કારણ કે બહાર વકીલો દ્વારા બૂમાબૂમ અને બળજબરીથી અટકાવવાની ઘટનાઓ બની રહી હતી. સુનાવણી દરમિયાન એક મહિલા વકીલ પોતાની દલીલ રજૂ કરવા કોર્ટરૂમમાં પ્રવેશવા માગતી હતી પરંતુ તેને પણ હેરાન કરવામાં આવી. આ ઘટના પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અદાલતે ટિપ્પણી કરી હતી કે આ પ્રકારનું અશોભનીય વર્તન બાર અને બેન્ચ બંનેની ગરિમાને કલંકિત કરે છે. સાથે જ, સોશિયલ મીડિયા પર યુવા વકીલો દ્વારા પ્રસારિત થતી અધૂરી અને ભ્રામક માહિતી સામે પણ ન્યાયિક નોંધ લેવામાં આવી હતી, જેમાં યુવા વકીલોને સસ્તી લોકપ્રિયતા મેળવવાને બદલે કેસની સાચી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરવામાં આવી છે.

બીજી બાજુ, આ વિવાદની પૃષ્ઠભૂમિમાં અલ્હાબાદ હાઇકોર્ટ બાર એસોસિએશનની નવનિર્વાચિત કારોબારી સમિતિએ પણ મોરચો સંભાળી લીધો છે. ગત ૨૭ ઓક્ટોબરના રોજ કોર્ટરૂમ નંબર ૪૯ માં ન્યાયાધીશના કથિત વર્તન સામે વકીલોના સન્માન માટે શરૂ કરાયેલા વિરોધ પ્રદર્શનને રાજ્યભરમાંથી વ્યાપક સમર્થન મળ્યું છે, જેને લઈને બાર દ્વારા આભાર વ્યક્ત કરાયો છે. જો કે, હાઇકોર્ટે આશા વ્યક્ત કરી છે કે બાર એસોસિએશનની નવી ટીમ આ આંતરિક અવરોધો અને ગરિમાના પ્રશ્નો પર ગંભીરતાથી વિચાર કરશે જેથી ન્યાય તંત્રની પવિત્રતા અને જાહેર જનતાનો વિશ્વાસ અક્ષુણ્ણ રહી શકે.

(9:17 PM IST)