તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
દિલ્હીની સરકારી શાળામાં ખળભળાટ: પાણી પીવાના બહાને બહાર ગયેલી વિદ્યાર્થિનીએ જાતે જ આગ લગાવી દીધી!
કૃષ્ણા નગરની સ્કૂલના કેમ્પસમાં બની અત્યંત હચમચાવી દેનારી ઘટના : મૃતક વિદ્યાર્થિનીના સ્કૂલ બેગમાંથી ત્રણ સુસાઈડ નોટ અને લાઈટર મળી આવતા પ્રેમ પ્રકરણ અને માનસિક દબાણના એંગલથી પોલીસ તપાસ શરૂ

નવી દિલ્હી : દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં આવેલી એક સરકારી શાળામાં બનેલી અત્યંત દર્દનાક અને હચમચાવી દેનારી ઘટનાએ સમગ્ર શૈક્ષણિક જગત અને સ્થાનિક વિસ્તારમાં ભારે શોક અને સન્નાટો ફેલાવી દીધો છે. મૂળ ઝારખંડના કોડરમાની વતની અને હાલ દિલ્હીમાં પોતાના ભાઈ-ભાભી સાથે રહીને અભ્યાસ કરતી લક્ષ્મી નામની વિદ્યાર્થિનીએ શાળાના પરિસરમાં જ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ભયાનક અકસ્માત બાદ સ્કૂલ કેમ્પસમાં અફરાતફરી મચી ગઈ હતી અને આ ઘટનાએ વિદ્યાર્થિનીના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, શાળાના છઠ્ઠા પિરિયડ પછી લક્ષ્મી ક્લાસ પાસ લઈને પાણી પીવાના બહાને ક્લાસરૂમમાંથી બહાર નીકળી હતી. માત્ર બે-ત્રણ મિનિટના ટૂંકા સમયગાળામાં જ અચાનક ચીસો પાડવાનો અવાજ સંભળાતા આસપાસના લોકો અને શાળાના કર્મચારીઓ તે દિશામાં દોડી ગયા હતા, જ્યાં પાણીની ટાંકી પાસે લક્ષ્મીને સંપૂર્ણપણે આગની લપેટમાં બનેલી જોઈને સૌના હોશ ઉડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિદ્યાર્થિનીએ પોતાની જાતને સળગાવવા માટે કોઈ જ્વલનશીલ રસાયણ (કેમિકલ) નો ઉપયોગ કર્યો હતો, જેના કારણે આગે પળભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન વિદ્યાર્થિનીના સ્કૂલ બેગમાંથી ચોંકાવનારી ચીજવસ્તુઓ મળી આવી હતી. પોલીસ તપાસમાં તેની બેગમાંથી પુસ્તકો સાથે એક લાઈટર અને કુલ ત્રણ સુસાઈડ નોટ હસ્તગત કરવામાં આવી છે. આ સુસાઈડ નોટ્સમાંથી એકમાં તેણે માતા-પિતાની અપેક્ષાઓ પર ખરી ન ઉતરી શકવા બદલ માફી માગી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક નોટમાં એક યુવકનો ઉલ્લેખ હોવાથી પોલીસે પ્રેમ પ્રકરણની શંકાના આધારે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
