News of Friday, 24th July 2026
દિલ્હી હાઈકોર્ટમાં ધમાસાણ: "જાહેર સ્થળે વિરોધ વચ્ચે કેવી ગોપનીયતા?" : કેમેરા, રીલ્સ અને દેખરેખના વિવાદ પર કેન્દ્ર સરકારનો સણસણતો પ્રશ્ન!
જંતર-મંતર પર સીસીટીવી કેમેરા અને ડ્રોન દેખરેખ સામે આઈશી ઘોષની હાઈકોર્ટમાં અરજી : સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કાયદો અને વ્યવસ્થાનું બહાનું આપી કહ્યું, સાર્વજનિક સ્થળે વિરોધ કરનારા પોતે જ વીડિયો બનાવી વાયરલ કરે છે

નવી દિલ્હી : દિલ્હીના ઐતિહાસિક વિરોધ સ્થળ જંતર-મંતર પર ચાલતા આંદોલનો અને પોલીસની કડક નજર વચ્ચે ગોપનીયતા વિરુદ્ધ સુરક્ષાનો એક નવો કાનૂની જંગ છેડાયો છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી ના ભૂતપૂર્વ પ્રમુખ આઈશી ઘોષ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીએ ભારે ગરમાવો લાવી દીધો છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને નેતાઓની સતત વીડિયોગ્રાફી કરીને તેમની ગોપનીયતા પર ત્રાપ મારી રહી છે. જોકે, કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ દલીલોને આકરી ભાષામાં ફગાવી દીધી છે.
ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચ સમક્ષ ધડાકાભેર રજૂઆત કરતા સોલિસિટર જનરલે સવાલ ઉઠાવ્યો કે,આજના ડિજિટલ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે વિરોધ સ્થળ પર સેંકડો લોકો પોતે જ વીડિયો બનાવીને રીલ્સ વાયરલ કરી રહ્યા હોય, ત્યારે કઈ ગોપનીયતાની વાત કરવામાં આવી રહી છે?" તેમણે સ્પષ્ટતા કરી કે જંતર-મંતર જેવા સંવેદનશીલ સ્થળે હજારોની ભીડ એકઠી થાય ત્યારે કોઈ પણ અપ્રિય ઘટના કે હિંસાને રોકવા માટે વીડિયોગ્રાફી કરવી એ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ‘કાયદેસર સરકારી હિત’ છે. તેમણે આ અરજીને લક્ઝરી લિટિગેશન ગણાવીને ફગાવી દેવા માંગ કરી હતી.
બીજી તરફ, અરજદાર આઈશી ઘોષના વરિષ્ઠ વકીલ નંદિતા રાવે બેન્ચ સમક્ષ ભારપૂર્વક દલીલ કરી હતી કે જાહેર જગ્યા પર હોવાનો મતલબ એ નથી કે નાગરિકે તેના મૂળભૂત અધિકારો સમર્પિત કરી દીધા છે. પુટ્ટાસ્વામી ચુકાદાનો હવાલો આપતા તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ આંદોલનકારીઓની સતત દેખરેખ અને ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ લોકશાહીમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે. હાઈકોર્ટે બંને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ આ મામલે વધુ સુનાવણી સોમવાર પર મુલતવી રાખી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
