તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ન્યૂયોર્ક ફેશન વીકમાં PETA ના વિરોધ પ્રદર્શન દરમિયાન ખળભળાટ: CFDA ના વડા સ્ટીવન કોલ્બને રજા પર ઉતારી દેવાયા!
ઘેટાંના ઊનના ઉપયોગ સામે અવાજ ઉઠાવનાર મહિલા પ્રદર્શનકારી સાથે શારીરિક ઝપાઝપી કરવાનો વીડિયો વાયરલ થતાં વિવાદ: સંસ્થાએ શિસ્તભંગની તપાસ શરૂ કરી

ન્યૂયોર્ક, તા.૧૬: વિશ્વપ્રસિદ્ધ ન્યૂયોર્ક ફેશન વીક (NYFW) આ વખતે કેવળ મોડેલ્સ અને ડિઝાઈનર ડ્રેસીસના કારણે નહીં, પરંતુ રનવે પર સર્જાયેલા એક મોટો વિવાદને કારણે ચર્ચામાં આવ્યો છે. પશુ અધિકાર સંસ્થા PETA ના વિરોધ પ્રદર્શન દરમિયાન અમેરિકન ફેશન જગતની પ્રભાવશાળી હસ્તી અને કાઉન્સિલ ઓફ ફેશન ડિઝાઈનર્સ ઓફ અમેરિકા (CFDA) ના પ્રમુખ તેમજ CEO સ્ટીવન કોલ્બ (Steven Kolb) દ્વારા આચરવામાં આવેલી શારીરિક હિંસાના આરોપો બાદ તેમને તાત્કાલિક અસરથી રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
રનવે પર ઊનના ઉપયોગ સામે PETA નો વિરોધ અને હંગામાનો વિડિયો
આ ઘટના ૧૩ સપ્ટેમ્બરના રોજ ડાઉનટાઉન મેનહટનમાં COS ના ફેશન શો દરમિયાન બની હતી. શો દરમિયાન PETA ના કેટલાક કાર્યકરો પ્લેકાર્ડ્સ સાથે રનવે પર ઘૂસી આવ્યા હતા અને ફેશન ઉદ્યોગમાં ઘેટાંના ઊનના ઉપયોગનો વિરોધ કરી રહ્યા હતા. વિરોધ ચરમસીમાએ પહોંચ્યો ત્યારે સિક્યોરિટી ટીમને સ્થિતિ સંભાળવા દેવાને બદલે સ્ટીવન કોલ્બ પોતે મેદાનમાં ઉતરી આવ્યા હતા. PETA નો આરોપ છે કે કોલ્બે એક મહિલા વિરોધકર્તાને જમીન પર પકડી પાડી તેનું મોં અને નાક દબાવી દીધું હતું, જ્યારે તે મહિલા "ઊન માટે ઘેટાંને મારી નાખવામાં આવે છે" તેવી બૂમો પાડી રહી હતી.
CFDA નો સખત નિર્ણય: તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રજા પર મોકલ્યા
આ ઘટનાનો વિડિયો વાયરલ થતાં જ ફેશન જગતમાં ભારે વિરોધનો વંતોળ ઊભો થયો હતો. આથી CFDA એ સત્તાવાર નિવેદન બહાર પાડીને કોલ્બને કામકાજમાંથી મુક્ત કરવાની પુષ્ટિ કરી છે. CFDA એ જણાવ્યું હતું કે, "અમે આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ. એક સંસ્થા તરીકે અમે ભિન્ન મંતવ્યો પ્રત્યે આદરપૂર્ણ વ્યવહાર જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સમગ્ર ઘટનાની સમીક્ષા અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રી કોલ્બ રજા પર રહેશે."
PETA ની પોલીસ ફરિયાદની તૈયારી અને સ્ટીવન કોલ્બની ભૂલની સ્વીકૃતિ
PETA એ આ સમગ્ર મામલે સ્ટીવન કોલ્બ સામે ફોજદારી કાર્યવાહી કરવા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, વિવાદ વધતાં સ્ટીવન કોલ્બે પોતે પણ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "શો દરમિયાન બનેલી ઘટના પર મારી પ્રતિક્રિયા બિલકુલ યોગ્ય નહોતી. મારે તે પરિસ્થિતિને સંભાળવાનું કામ સિક્યોરિટી ટીમને જ સોંપવું જોઈતું હતું, મારી પ્રતિક્રિયા બદલ હું ખેદ વ્યક્ત કરું છું."
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
