<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

યુપીના બાહુબલી રાજા ભૈયા પોતાના જ ભદ્રી કિલ્લામાં નજરકેદ: પિતા અને 13 સમર્થકો પણ હાઉસ એરેસ્ટ, મોહરમના જુલુસ પહેલા ભારે પોલીસ કાફલો તૈનાત

એક વાંદરાની પુણ્યતિથિ પર સુંદરકાંડના પાઠ અને ભંડારાને લઈને વર્ષોથી ચાલે છે વિવાદ; કોમી તણાવ ટાળવા પ્રશાસને મહેલની બહાર લગાવી નોટિસ

પ્રતાપગઢ, : ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા વિસ્તારમાંથી એક સનસનાટીભરી અને હાઈ-પ્રોફાઈલ ઘટના સામે આવી છે. કુંડાના પ્રખ્યાત ધારાસભ્ય અને બાહુબલી નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા અને તેમના પિતા રાજા ઉદય પ્રતાપ સિંહને તેમના જ ભદ્રી મહેલમાં ૧૩ સમર્થકો સાથે નજરકેદ (હાઉસ એરેસ્ટ) કરી દેવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રશાસન દ્વારા કિલ્લાની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મહેલના મુખ્ય દરવાજા પર નજરકેદની સત્તાવાર નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે. ગુરુવારે સવારે ૫ વાગ્યાથી શરૂ થયેલી આ નજરકેદ શુક્રવારે રાત્રે ૯ વાગ્યા સુધી અમલમાં રહેશે.

શું છે આખો વિવાદ? કેમ વર્ષોથી રાજા ભૈયા થાય છે નજરકેદ?

પશ્ચિમના અધિક પોલીસ અધિક્ષક બ્રિજ નંદન રાયે આ મામલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ શેખપુર આશિક ગામના એક હનુમાન મંદિર સાથે જોડાયેલો છે. વર્ષ ૨૦૧૨ માં આ વિસ્તારમાં એક વાંદરાનું મૃત્યુ થયું હતું, જેની યાદમાં ગામલોકોએ રસ્તાની બાજુમાં જ એક હનુમાન મંદિર બનાવ્યું હતું. વર્ષ ૨૦૧૫ થી રાજા ભૈયાના પિતા ઉદય પ્રતાપ સિંહ આ વાંદરાની પુણ્યતિથિ નિમિત્તે મોહરમના દિવસે જ આ મંદિરમાં વિશેષ પૂજા, સુંદરકાંડના પાઠ અને ભોજન સમારંભ (ભંડારા) નું આયોજન કરે છે.

પરંતુ, વિવાદ એ વાતનો છે કે આ મંદિર જે રસ્તા પર આવેલું છે, ત્યાંથી જ મોહરમની તાજિયા શોભાયાત્રા (જુલુસ) પસાર થાય છે. અગાઉ ૨૦૧૩-૨૦૧૪ માં જ્યારે જુલુસ અને ભંડારો એક જ સમયે યોજાયા હતા ત્યારે પરિસ્થિતિ અત્યંત વણસી ગઈ હતી અને કોમી તણાવ પેદા થયો હતો. આથી, મોહરમના પવિત્ર દિવસે શાંતિ જાળવવા માટે પોલીસ વહીવટીતંત્ર દર વર્ષે આ મંદિરમાં ભોજન સમારંભની મંજૂરી આપતું નથી અને તકેદારીના ભાગરૂપે રાજા ભૈયા અને તેમના પિતાને નજરકેદ કરે છે.

આ નેતાઓ અને સમર્થકો પણ થયા હાઉસ એરેસ્ટ

પોલીસે માત્ર રાજા ભૈયા અને તેમના પિતા જ નહીં, પરંતુ તેમના કટ્ટર સમર્થકોને પણ નજરકેદ કર્યા છે. જેમાં નિર્ભય સિંહ બેંટી, જુગ્નુ, વિશ્વકર્મા હાથીગવન, હનુમાન પાંડે કુંડા, જીતેન્દ્ર યાદવ, આનંદ પાલી, રમાકાંત મિશ્રા, ભવાની વિશ્વકર્મા, રવિ સિંહ, કેશરી નંદન પાંડે, જમુના પ્રસાદ મૌર્ય, ગયા પ્રજાપતિ અને મોહન હાથીગવનનો સમાવેશ થાય છે.

હાલમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આખા ગામમાં અને ખાસ કરીને ભદ્રી મહેલની આસપાસ પથરાયેલા સુરક્ષા દળો સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

(6:00 PM IST)