તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
બંગાળમાં યુપીના 'એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ'ની ધાક: "જો દાદાગીરી કરી તો ખેર નથી..." IPS અજય પાલ શર્માએ ટીએમસી ઉમેદવારને લાઈવ વોર્નિંગ આપતા રાજકીય તોફાન!
ફાલતામાં મતદારોને ધમકાવવાની ફરિયાદ મળતા જ સિંઘમ અવતારમાં પહોંચ્યા આઈપીએસ: 'Y' શ્રેણી સુરક્ષામાં વધારાના પોલીસકર્મીઓ જોઈ અધિકારી લાલઘૂમ, મમતાના ગઢમાં ભાજપ-ટીએમસી વચ્ચે ટકરાવ

કોલકાતા: પશ્ચિમ બંગાળના ફાલતા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બની ગયું જ્યારે ઉત્તર પ્રદેશ કેડરના જાણીતા IPS અધિકારી અને ચૂંટણી નિરીક્ષક અજય પાલ શર્મા એક્શન મોડમાં જોવા મળ્યા. મતદારોને ધમકાવવાની ફરિયાદો મળતા જ તેઓ સીધા મેદાનમાં ઉતર્યા હતા અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવાર જહાંગીર ખાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ઘમસાણ મચ્યું છે.
"મતદારોને હેરાન કર્યા તો કડક કાર્યવાહી થશે"
ફાલતામાં સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાન સાથે જોડાયેલા લોકો મતદારો પર દબાણ કરી રહ્યા છે. જ્યારે IPS અજય પાલ શર્મા તપાસ માટે પહોંચ્યા અને ઉમેદવાર હાજર ન મળ્યા, ત્યારે તેમણે તેમના પરિવારના સભ્યોને સ્પષ્ટ કહી દીધું કે, "જો લોકોને ધમકાવવાની ફરિયાદો ચાલુ રહેશે, તો અમે સખત હાથે કામ લઈશું. કોઈ પણ ખોટું કામ કરનાર કે મતદારોને પરેશાન કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે."
સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિ પકડાતા અધિકારી લાલચોળ
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. નિયમ મુજબ ઉમેદવારને 'Y-શ્રેણી' ની સુરક્ષા હેઠળ માત્ર 10 જવાનોની મંજૂરી હોય છે, પરંતુ ત્યાં 14 પોલીસકર્મીઓ તૈનાત જોવા મળ્યા હતા. આ ગંભીર ક્ષતિ બદલ અજય પાલ શર્માએ તાત્કાલિક સ્પષ્ટીકરણ માંગ્યું હતું અને સંબંધિત અધિકારીઓને નોટિસ ફટકારી હતી.
રાજકીય વિવાદ વકર્યો
આ ઘટના બાદ બંગાળનું રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતાઓએ IPS અધિકારીની કામગીરીને પારદર્શક ચૂંટણી માટે જરૂરી ગણાવી ટેકો જાહેર કર્યો છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસે આ નિમણૂક સામે સવાલો ઉઠાવ્યા છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે આવા અધિકારીઓની તૈનાતી પાછળ રાજકીય એજન્ડા હોઈ શકે છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
પશ્ચિમ બંગાળમાં જેમ જેમ મતદાન નજીક આવી રહ્યું છે તેમ તેમ વહીવટીતંત્ર અને રાજકીય પક્ષો વચ્ચેની આ ખેંચતાણ વધુ તીવ્ર બની રહી છે. પ્રશાસને સંકેત આપ્યા છે કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સાંખી લેવામાં આવશે નહીં.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
