<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

રામ મંદિર ટ્રસ્ટને RTI હેઠળ લાવવાની ઉગ્ર માંગ: કરોડોના દાન અને કથિત ઉચાપત વચ્ચે સાંસદ જોન બ્રિટાસનો અમિત શાહને પત્ર

અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં પારદર્શિતા લાવવા અને સરકારી અધિકારીઓની હાજરીને આધારે પબ્લિક ઓથોરિટી જાહેર કરવા ડાબેરી સાંસદની કેન્દ્ર સરકારને ધારદાર અપીલ

નવી દિલ્હી: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સંચાલન કરતા 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'માં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાનમાં કથિત ગેરરીતિઓ અને ઉચાપતનો વિવાદ હવે દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં ગરમાયો છે. આ ગંભીર આરોપોની વચ્ચે, સીપીઆઈ(એમ) ના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક સત્તાવાર પત્ર લખીને સળગતો સવાલ ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને અબજો રૂપિયાના જાહેર દાન સાથે જોડાયેલી આ સંસ્થાને તાત્કાલિક માહિતી અધિકાર કાયદા (RTI) ના દાયરામાં લાવવામાં આવે. સાંસદે ભારપૂર્વક જણાવ્યું છે કે આટલી મોટી અને મહત્વપૂર્ણ સંસ્થામાં વહીવટી તેમજ નાણાકીય પારદર્શિતા હોવી એ સમયની સૌથી મોટી માંગ છે.

જોન બ્રિટાસે પોતાના પત્રમાં કાયદાકીય પાસાઓનો હવાલો આપતા જણાવ્યું છે કે, વર્ષ 2019 માં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ કેન્દ્ર સરકારે જ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને આ ટ્રસ્ટની રચના કરી હતી અને સંસદીય કાયદા હેઠળ સંપાદિત કરાયેલી જમીન તેને સોંપી હતી. આ ઉપરાંત, ટ્રસ્ટના પ્રારંભિક 15 સભ્યોમાંથી 12 સભ્યોની નિમણૂક પણ સરકાર દ્વારા જ કરવામાં આવી હતી. કેન્દ્રીય માહિતી પંચ (CIC) ના જૂન 2025 ના એ આદેશ પર પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે, જેમાં ગૃહ મંત્રાલયના વલણને આધારે ટ્રસ્ટને 'પબ્લિક ઓથોરિટી' માનવાનો ઇનકાર કરાયો હતો. બ્રિટાસની દલીલ છે કે આરટીઆઈ એક્ટની કલમ 2(h)(d) મુજબ, કોઈ સંસ્થા સરકારના પોતાના નિર્ણયથી બની હોય કે કોર્ટના આદેશથી, જો તે સરકારી જાહેરનામા દ્વારા અસ્તિત્વમાં આવી હોય તો તે માહિતી અધિકારના દાયરામાં આવવી જ જોઈએ.

સૌથી મહત્વની બાબત એ છે કે ટ્રસ્ટના શાસન માળખામાં કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા આઈએએસ અધિકારીઓ અને અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ પણ સામેલ છે. સાંસદે દલીલ કરી છે કે જો આ સંસ્થા સંપૂર્ણપણે ખાનગી હોય તો તેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓની કાયમી હાજરી શા માટે રાખવામાં આવી છે? તેમણે જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત 'શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ' નું શ્રેષ્ઠ ઉદાહરણ આપતા ગૃહમંત્રીને સમજાવ્યું કે, ધાર્મિક બાબતોની સ્વાયત્તતા અને નાણાકીય જવાબદારી એકસાથે ખૂબ સારી રીતે ચાલી શકે છે. આઈટીએસ (SIT) તપાસ અને ટ્રસ્ટના પદાધિકારીઓના રાજીનામા વચ્ચે, આ પત્રે હવે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી પર કાનૂની અને નૈતિક ચર્ચાને એક નવો વળાંક આપ્યો છે.

(6:08 PM IST)